મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે (19 ડિસેમ્બર) જણાવા મળ્યું હતું કે રોહિત શર્માના અંગૂઠાની ઈજા સંપૂર્ણ રીતે સાજી થઈ નથી. આ રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમની આગામી મહત્વની શ્રેણીઓને ધ્યાનમાં રાખતા પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માને રમાડવાનું જોખમ ન લેવાનો નિર્ણય લીધો છે.
ભારતના બાંગ્લાદેશ પ્રવાસ બાદ ભારત ઘરઆંગણે શ્રીલંકા સામે રમશે. શ્રીલંકા સામે ભારત ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ રમશે જેની શરૂઆત 3 જાન્યુઆરી 2023થી મુંબઈમાં થશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હાલમાં રોહિત શર્મા મુંબઈમાં છે અને તે બીજી ટેસ્ટમાં બેટિંગ કરી શકે તેમ છે પરંતુ ફિલ્ડિંગ દરમિયાન અંગૂઠાની ઈજામાં ફરીથી મુશ્કેલી સર્જાવાનું જોખમ રહેલું છે. મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે જો તે ફિલ્ડિંગ કરે અને ફરીથી તે અંગૂઠા પર ઈજા થાય તો તેની ઈજા વધારે ગંભીર થઈ શકે છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ ટેસ્ટના પ્રથમ દાવમાં ચેતેશ્વર પૂજારા સદી ચૂકી ગયો હતો. જોકે, બીજા દાવમાં તેણે સદી ફટકારી હતી. જ્યારે બીજા દાવમાં શુભમન ગિલે પણ સદી ફટકારી હતી જે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. જ્યારે સ્પિનર કુલદીપ યાદવ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. રોહિત શર્માના સ્થાને ટીમની કેપ્ટનસી કરનારો લોકેશ રાહુલ બંને દાવમાં નિષ્ફળ રહ્યો હોત. જો, રોહિત શર્મા ઉપલબ્ધ હોત તો ટીમ મેનેજમેન્ટ માટે લોકેશ રાહુલ કે શુભમન ગિલમાંથી કોને બહાર રાખવો તે મોટો પ્રશ્ન બની શક્યો હોત.