ચેતન શર્મા (નોર્થ ઝોન), હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝોન), સુનીલ જોશી (સાઉથ ઝોન) અને દેબાશિશ મોહંતી (ઈસ્ટ ઝોન)ની પસંદગી સમિતિનો કાર્યકાળ અત્યંત ટૂંકો રહ્યો છે. તેમાંથી કેટલાકને 2020 અને કેટલાકને 2021માં નિમણૂક આપવામાં આવી હતી. સિનિયર નેશનલ પસંદગીકારોનો કાર્યકાળ સામાન્ય રીતે ચાર વર્ષનો હોય છે અને ક્યારેક તેમને એક્સ્ટેન્શન આપવામાં આવે છે. અબે કુરૂવિલાનો કાર્યકાળ પૂરો થયા બાદ વેસ્ટ ઝોનમાંથી કોઈ પસંદગીકાર આવ્યા ન હતા. શુક્રવારે બીસીસીઆઈ એ પસંદગી સમિતિ માટે અરજીઓ મંગાવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર છે.
હજી આકરા નિર્ણયો લેવામાં આવી શકે છે
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી. સેમિફાઈનલમાં ભારતીય ટીમને 10 વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમની આકરી ટીકાઓ થઈ હતી અને કેટલાક આકરા નિર્ણયો લેવા જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ટી20 ટીમમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન જેવા સિનિયર ખેલાડીઓને બહાર કરી દેવામાં આવે છે. જ્યારે કંગાળ ફોર્મમાં રમી રહેલો ઓપનર લોકેશ રાહુલ પણ ટી20 ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી શકે છે.
આગામી ટી20 વર્લ્ડ કપમાં હજી બે વર્ષની વાર છે ત્યારે બોર્ડ અત્યારથી જ યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં ટી20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં શુભમન ગિલ, સંજૂ સેમસન, દીપક ચહર અને ઈશાન કિશન જેવા ખેલાડીઓને મોકલવામાં આવ્યા છે. જ્યારે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને ટી20 ટીમનો સુકાની બનાવવામાં આવી શકે છે.