સૂર્યકુમારની ઝંઝાવાતી અડધી સદી, તિલક વર્માની પણ આક્રમક બેટિંગ
ભારત સામે 169 રનનો લક્ષ્યાંક હતો પરંતુ તેની શરૂઆત ખરાબ રહી હતી. આ મેચ દ્વારા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે, પોતાની પ્રથમ મેચમાં તે એક રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે શુભમન ગિલ વધુ એક વખત નિષ્ફળ રહ્યો હતો. તે 11 બોલમાં છ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, ટીમ માટે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી.
સૂર્યકુમાર લાંબા સમય બાદ પોતાની લયમાં જોવા મળ્યો હતો. તેણે તોફાની અંદાજમાં બેટિગં કરી હતી અને વેસ્ટ ઈન્ડિઝના બોલર્સની ધોલાઈ કરી હતી. તેણે 44 બોલમાં 83 રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી જેમાં 10 ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી. જ્યારે તિલક વર્માએ 49 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે પોતાની 37 બોલની ઈનિંગ્સમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત કેપ્ટન હાર્દિક પંડ્યા 15 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 20 રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે અલઝારી જોસેફે બે તથા ઓબેડ મેકોયે એક વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝે નોંધાવ્યો 159 રનનો સ્કોર
અગાઉ વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી રહી હતી. બ્રેન્ડન કિંગ અને કાયલે માયર્સે 7.4 ઓવરમાં 55 રનની ભાગીદારી નોંધાવી હતી. બ્રેન્ડન કિંગ 42 બોલમાં 42 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે માયર્સ 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 25 રન નોંધાવ્યા હતા. નિકોલસ પૂરને 20 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, કેપ્ટન રોવમેન પોવલે તોફાની બેટિંગ કરી હતી. તેણે 19 બોલમાં 40 રન ફટકાર્યા હતા જેમાં એક ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. ભારત માટે કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે અક્ષર પટેલ અને મુકેશ કુમારે એક-એક સફળતા મેળવી હતી.