ઈશાન કિશનની અડધી સદી, ભારતનો વિજય
115 રનના લક્ષ્યાંક સામે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, વિકેટકીપર ઓપનર ઈશાન કિશને આક્રમક અડધી સદી ફટકારી હતી અને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમે 18 રનના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી. તે ફક્ત સાત રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં સૂર્યકુમાર યાદવે 19 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યા પાંચ અને શાર્દુલ ઠાકુર એક રન નોંધાવીને આઉટ થયા હતા. ઈશાન કિશને 46 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 52 રન ફટકાર્યા હતચા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 16 અને રોહિત શર્માએ અણનમ 12 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ માટે ગુડાકેશ મોતીએ બે તથા જેડેન સીલ્સ અને યાનિક કારિયાએ એક-એક વિકેટ ઝડપી હતી.
કુલદીપ અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝ ઘૂંટણીયે
ભારતે ટોસ જીતીને શાઈ હોપની ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી રહી હતી પરંતુ બાદમાં ભારતીય સ્પિનર્સ સામે તે ઘૂંટણીયે પડી ગઈ હતી. એક સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે 88 રનનો હતો. પરંતુ બાકીની છ વિકેટ ફક્ત 26 રનમાં જ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન શાઈ હોપે સૌથી વધુ 45 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. જેમાં તેણે ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે એલિક એથાનઝેએ 22 અને બ્રેન્ડન કિંગે 17 રનનું યોયગદાન આપ્યું હતું. હેતમાયરે 11 રનની ઈનિંગ્સ રમી હતી. ભારત માટે કુલદીપ યાદવે ત્રણ ઓવરમાં છ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજાએ છ ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા, મુકેશ કુમાર અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી.