ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ, સૂર્યકુમાર અને અક્ષરની અડધી સદી એળે ગઈ
205 રનના પડકારજનક લક્ષ્યાંક સામે ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. શ્રીલંકન બોલર્સે લાજવાબ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. ઈશાન કિશન અને શુભમન ગિલની જોડી અપેક્ષા પ્રમાણે શરૂઆત આપી શકી ન હતી. ઈશાન કિશન બે રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. રાહુલ ત્રિપાઠી પણ પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને પ્રથમ ટી20માં ધમાકેદાર બેટિંગ કરનારો દીપક હૂડા પણ નિષ્ફળ રહ્યા હતા. હાર્દિકે 12 અને હૂડાએ 9 રન નોંધાવ્યા હતા. ભારતે 57 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત માટે સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. જોકે, તેમની બેટિંગ એળે ગઈ હતી. સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ બંનેએ અડધી સદી ફટકારી હતી. જેના કારણે ભારત થોડી લડત આપી શક્યું હતું. સૂર્યકુમાર યાદવે 36 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 51 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે અંતિમ ઓવર સુધી લડત આપી હતી અને ધમાકેદાર બેટિંગ કરી હતી. સામે છેડે તેને શિવમ માવીનો સાથ મળ્યો હતો. જોકે, અક્ષર પટેલનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. અક્ષર પટેલે 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 65 રન ફટકાર્યા હતા. જ્યારે શિવમ માવીએ 15 બોલમાં 26 રન ફટકાર્યા હતા જેમાં બે ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. શ્રીલંકા માટે દિલશાન મદુશનાકા, કસુન રાજીથ અને દાસુન શનાકાએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ચમિકા કરૂણારત્ને અને વાનિન્દુ હસારંગાને એક-એક સફળતા મળી હતી.
કુસલ મેન્ડિસ અને દાસુન શનાકાની આક્રમક અડધી
ભારતે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાના બેટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમે જંગી સ્કોર નોંધાવ્યો હતો. પથુમ નિસંકા અને કુસલ મેન્ડિસની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ જોડીએ 8.2 ઓવરમાં 80 રનની ભાગીદારી નોંધાવીને મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. અંતે યુજવેન્દ્ર ચહલે મેન્ડિસને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. મેન્ડિસે ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 52 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે નિસંકાએ 35 બોલમાં 33 રન નોંધાવ્યા હતા. ભાનુકા રાજપક્સતા બે અને ધનંજય ડીસિલ્વા ત્રણ રન નોંધાવીને આઉટ થયા હતા.
જોકે, કેપ્ટન દાસુન શનાકાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને 200 પાર પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. અસલાંકાએ પણ ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. અસાલંકાએ 19 બોલમાં ચાર સિક્સરની મદદથી 37 રન ફટકાર્યા હતા. જ્યારે શનાકાએ 22 બોલમાં 56 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. શનાકાએ પોતાની ઈનિંગ્સમાં બે ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. જ્યારે કરૂણારત્નેએ અણનમ 11 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ઉમરાન મલિકે ત્રણ, અક્ષર પટેલે બે તથા ચહલે એક વિકેટ ઝડપી હતી.