શ્રીલંકાની લડત સામે લોકેશ રાહુલનો વળતો પ્રહાર
ભારત સામે 216 રનનો લક્ષ્યાંક હતો પરંતુ શ્રીલંકન બોલર્સે ઘણી મજબૂત લડત આપી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને બેટર્સ આસાનીથી રન નોંધાવી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. રોહિત શર્મા 17 અને ગિલ 21 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે પ્રથમ વન-ડેમાં સદી ફટકારનારો વિરાટ કોહલી આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલી ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.
જોકે, મિડલ ઓર્ડરના બેટર્સે બાજી સંભાળી હતી જેમાં લોકેશ રાહુલનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું હતું. ભારતે 62 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં લોકેશ રાહુલે પહેલા શ્રેયસ ઐય્યર અને બાદમાં હાર્દિક પંડ્યા તથા અક્ષર પટેલ સાથે મળીને ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. તેની બેટિંગ ધીમી રહી પરંતુ તેણે અંત સુધી એક છેડો જાળવી રાખ્યો હતો. ઐય્યર 33 બોલમાં 28 રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે હાર્દિકે 36 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે લોકેશ રાહુલ 103 બોલમાં છ ચોગ્ગાની મદદથી 64 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. શ્રીલંકા માટે લાહિરુ કુમારા અને ચમિકા કરૂણારત્નેએ બે-બે તથા કાસુન રજીતા અને ધનંજય ડીસિલ્વાએ એક-એક વિકેટ ઝડપી હતી.
ટોપ ઓર્ડર સિવાય શ્રીલંકન બેટર્સનો ધબડકો
શ્રીલંકાના સુકાની દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. અવિષ્કા ફર્નાન્ડો અને નુવાનિદુ ફર્નાન્ડોની જોડી ઓપનિંગમાં આવી હતી. નુવાનિદુ ફર્નાન્ડોએ આ મેચ દ્વારા પોતાની વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો છે. જોકે, ટીમનો સ્કોર 29 રન હતો ત્યારે અવિષ્કા આઉટ થઈ ગયો હતો. તેણે 17 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 20 રન ફટકાર્યા હતા. જ્યારે નુવાનિદુએ પોતાની પ્રથમ વન-ડેમાં જ અડધી સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં છ ચોગ્ગાની મદદથી 50 રન ફટકાર્યા હતા. કુશલ મેન્ડિસે પણ 34 બોલમાં 34 રન ફટકાર્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
જોકે, શ્રીલંકાએ 17 ઓવરમાં બે વિકેટે 102 રન નોંધાવ્યા હતા. પરંતુ બાદમાં ટીમે ઉપરા-ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. ધનંજય ડી સિલ્વા ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે પ્રથમ વન-ડેમાં લડાયક સદી ફટકારનારો કેપ્ટન દાસુન શનાકા બે જ રન નોંધાવી શક્યો હતો. ચરિત અસાલંકાએ 15 રનનું યોગદાન આપ્યું હતું. લોઅર ઓર્ડરના બેટર્સે થોડું મહત્વનું યોગદાન આપ્યું હતું. જેમાં વાનિન્દુ હસારંગાએ 21, દુનિથ વેલાલાગેએ 32, ચમિકા કરૂણારત્નેએ 17 અને કાસુન રજિતાએ અણનમ 17 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમરાન મલિકને બે અને અક્ષર પટેલને એક સફળતા મળી હતી.