શુભમન ગિલ, ઈશાન કિશન અને રાહુલ ત્રિપાઠી ફ્લોપ
177 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. શુભમન ગિલ અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. બીજી જ ઓવરમાં ઈશાન કિશન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ બોલમાં ફક્ત ચાર રન જ નોંધાવ્યા હતા. ત્યારબાદ બેટિંગમાં આવેલો રાહુલ ત્રિપાઠી પણ નિષ્ફળ રહ્યો હતો. તે છ બોલ રમ્યો હતો પરંતુ ખાતું પણ ખોલાવી શક્યો નહતો. જ્યારે શુભમન ગિલ સાત રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ભારતે 15 રનમાં ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
સૂર્યકુમાર અને કેપ્ટન હાર્દિક પંડ્યાની લડત તથા સુંદરની અડધી સદી એળે ગઈ
ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા બાદ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની જોડીએ થોડી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 68 રનની ભાગીદારી નોંધાવી હતી અને આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. જોકે, આ બંનેની વિકેટો ઉપરા-ઉપરી પડતાં ભારત ફરીથી મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન ફટકાર્યા હતા. જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે હાર્દિક પંડ્યા 20 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 21 રન નોંધાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. જોકે, તેની અડધી સદી ટીમના વિજય માટે પૂરતી ન હતી. સુંદરે પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 50 રન ફટકાર્યા હતા. મિચેલ બ્રાસવેલ, મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે જેકોબ ડફી અને ઈશ સોઢીને એક-એક સફળતા મળી હતી.
ડેવોન કોનવે અને ડેરીલ મિચેલની તોફાની અડધી સદી
ભારતે ટોસ જીતીને મહેમાન ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ફિન એલન અને ડેવોન કોનવેની જોડીએ તોફાની શરૂઆત કરી હતી અને તાબડતોબ રન નોંધાવ્યા હતા. આ જોડીએ 4.2 ઓવરમાં જ 43 રન ફટકારી દીધા હતા. જેમાંથી 35 રન ફિન એલનના હતા. એલને 23 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. વોશિંગ્ટન સુંદરે પાંચમી ઓવરના બીજા બોલ પર એલનને આઉટ કર્યો હતો જ્યારે અંતિમ બોલ પર ચેપમેનને પેવેલિયન ભેગો કર્યો હતો. ચેપમેન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. 43 રનના સ્કોર પર ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ કોનવેએ ગ્લેન ફિલિપ્સ સાથે મળીને સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો હતો અને તેણે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. કોનવેએ 35 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે 52 રન ફટકાર્યા હતા. જ્યારે ફિલિપ્સે 17 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવર્સમાં ડેરીલ મિચેલે ભારતીય બોલર્સ સામે આક્રમક બેટિંગ કરી હતી અને 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી અણનમ 59 રન ફટકાર્યા હતા. ભારત માટે વોશિંગ્ટન સુંદરે બે તથા અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને શિવમ માવીએ એક-એક વિકેટ ઝડપી હતી.