શુભમન ગિલને વિવાદાસ્પદ આઉટ અપાયો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં 444 રનના લક્ષ્યાંક સામે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરી હતી. જોકે, પ્રથમ દાવમાં ફ્લોપ રહેલો શુભમન ગિલ બીજા દાવમાં અનલકી રહ્યો હતો. તે કેચ આઉટ થયો હતો પરંતુ તેના કેચ આઉટનો નિર્ણય શંકાસ્પદ હતો. સ્કોટ બોલેન્ડના બોલ પર કેમેરોન ગ્રીને સ્લીપમાં તેનો કેચ પકડ્યો હતો. જોકે, કેચ વખતે બોલ જમીન પર અડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું તેમ છતાં અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરે તેને ઝૂમ કર્યા વગર જ રિપ્લેમાં ચેક કર્યું હતું અને તેને આઉટ જાહેર કરી દીધો હતો. કોમેન્ટેટર્સથી લઈને ભારતીય ખેલાડી અને ક્રિકેટપ્રેમીઓને આ નિર્ણયથી ભારે આઘાત લાગ્યો હતો.
વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે આપી રહ્યા છે લડત
કેપ્ટન રોહિત શર્માએ બીજા દાવમાં પ્રભાવશાળી બેટિંગ કરી હતી. જોકે, સ્પિનર નાથન લાયનના બોલ પર તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. આઉટ થતાં પહેલા તેણે એક સિક્સર અને સાત ચોગ્ગાની મદદથી 60 બોલમાં 43 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે અનુભવી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા એક ખોટો શોટ રમીને આઉટ થઈ ગયો હતો. પૂજારા પણ સેટ થઈ ગયો હતો અને ઘણી સારી લયમાં જોવા મળ્યો હતો. પરંતુ ઉતાવળ કરવામાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 47 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું.
જોકે, સ્ટાર બેટર વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ લડત આપી હતી. વિરાટ કોહલી પણ પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ બીજા દાવમાં તે ફોર્મમાં રમી રહ્યો છે. તેણે શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી. ભારતની જીતનો મદાર હવે કોહલી અને રહાણે પર નિર્ભર છે. વિરાટ કોહલી 60 બોલમાં 44 રન નોંધાવીને રમતમાં છે જેમાં તેણે સાત ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે રહાણે ત્રણ ચોગ્ગા સાથે 59 બોલમાં 20 રન નોંધાવીને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને નાથન લાયને એક-એક વિકેટ ઝડપી હતી.