અજિંક્ય રહાણે અને શાર્દૂલ ઠાકુરની લડાયક ઈનિંગ્સ
ઓસ્ટ્રેલિયાના ઝંઝાવાતી બોલિંગ આક્રમણ સામે ભારતના ટોચના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. પરંતુ અજિંક્ય રહાણે અને શાર્દૂલ ઠાકુરે લડત આપી હતી. પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજાએ પણ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે ગુરૂવાર બીજા દિવસે જ પોતાના પ્રથમ દાવમાં અડધી ટીમ ગુમાવી દીધી હતી. બીજા દિવસના અંતે ભારતે પાંચ વિકેટે 151 રન નોંધાવ્યા હતા. અજિંક્ય રહાણે 29 અને શ્રીકર ભરત પાંચ રને રમતમાં હતા. જોકે, શુક્રવારે ત્રીજા દિવસની શરૂઆતમાં જ ટીમને ઝટકા લાગ્યો હતો. શ્રીકર ભરત તેના આગલા દિવસના સ્કોરમાં એક પણ રન ઉમેરી શક્યો ન હતો અને પેવેલિયન ભેગો થયો હતો.
ત્યારબાદ રહાણેએ શાર્દૂલ ઠાકુર સાથે મળીને લડત આપી હતી. બંનેએ ધીરજપૂર્વક ઓસ્ટ્રેલિયન બોલર્સનો સામનો કર્યો હતો. આ જોડીએ 109 રનની ભાગીદારી નોંધાવી હતી. શુક્રવારે પ્રથમ સત્રમાં ભારતે એક પણ વિકેટ ગુમાવી ન હતી. જોકે, લંચ બ્રેક બાદ રહાણે આઉટ થઈ ગયો હતો. તેણે 129 બોલમાં 11 ચોગગા અને એક સિક્સરની મદદથી 89 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ભારત વધારે સમય ટકી શક્યું ન હતું. શાર્દૂલ ઠાકુર 109 બોલમાં છ ચોગ્ગા સાથે 51 રન નોંધાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે ત્રણ તથા મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ અને કેમેરોન ગ્રીને બે-બે તથા નાથન લાયને એક વિકેટ ઝડપી હતી.