india vs australia wtc final, કોચિંગ સ્ટાફ સાથે મળીને NCAમાં WTC ફાઈનલની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે રાહુલ દ્રવિડ - rahul dravid and his support staff to assemble at nca to chalk out wtc final blueprint

india vs australia wtc final, કોચિંગ સ્ટાફ સાથે મળીને NCAમાં WTC ફાઈનલની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે રાહુલ દ્રવિડ – rahul dravid and his support staff to assemble at nca to chalk out wtc final blueprint


ભારતીય ક્રિકેટ ટીમના ટોચના સ્ટાર ખેલાડીઓ હાલમાં આઈપીએલમાં રમવામાં વ્યસ્ત છે. પરંતુ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેમની ટીમના મનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ દ્રવિડ અને તેમનો કોચિંગ સ્ટાફ મંગળવારે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં મળશે. જ્યાં તેઓ જૂનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે.

ભારતીય ટીમ હાલમાં મુખ્ય ખેલાડીઓની ઈજાની સમસ્યાનો સામનો કરી રહી છે. ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐય્યર અને વિદેશી ધરતી પર ભારતનો મેચ વિનર સાબિત થયેલો રિશભ પંત ઈજાના કારણે ક્રિકેટથી દૂર થયા છે. આ ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઓ છે જેનું ફાઈનલ પહેલા સમાધાન લાવવું અત્યંત જરૂરી છે. આ ઉપરાંત આ વર્ષે રમાનારા વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા વર્કલોડ મેનેજમેન્ટની બાબત પણ ધ્યાન રાખવી પડશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે રાહુલ દ્રવિડ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મહામ્બ્રે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને અન્ય સપોર્ટ સ્ટાફ સાથે નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે મળશે. જ્યાં તેઓ સિનિયર ટીમ સાથે જોડાયેલી સમસ્યાઓની ચર્ચા કરશે. નોંધનીય છે કે વીવીએસ લક્ષ્મણ એનસીએનો હેડ છે. તેથી એનસીએ ખાતે વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ પોત-પોતાની ટીમો સાથે વર્કલોડ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરશે અને ફાઈનલની તૈયારીઓ અંગે રણનીતિ નક્કી કરશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટીમ માટે પાંચ ઝડપી બોલર લગભગ નક્કી છે જેઓ હાલમાં આઈપીએલમાં રમી રહ્યા છે. જેમાં મોહમ્મદ શમી (ગુજરાત ટાઈટન્સ), ઉમેશ યાદવ (કોલકાતા નાઈટ રાઈડર્સ), મોહમ્મદ સિરાજ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર), શાર્દુલ ઠાકુર (કોલકાતા નાઈટ રાઈડર્સ) અને જયદેવ ઉનડકટ (લખનૌ સુપર જાયન્ટ્સ) સામેલ છે. આ ખેલાડીઓ ફિટ હશે તો ફાઈનલ માટે તેમના નામ લગભગ નક્કી છે.

ભારતીય સપોર્ટ સ્ટાફના સભ્ય રહી ચૂકેલા એક જાણીતા કોચે વર્કલોડની સમસ્યાને સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશનિપની ફાઈનલ 7 જૂનથી શરૂ થવાની છે. હાલમાં તમામ ભારતીય ઝડપી બોલર્સ આઈપીએલમાં રમી રહ્યા છે. તેમને પ્રત્યેક સપ્તાહે 200 ડિલિવરી કરવી પડે છે. જેના કારણે ઈજાની શક્યતા રહે છે. જોકે, આઈપીએલમાં મુખ્ય સ્ટાર બોલર્સ પ્રત્યેક ટ્રેનિંગ સેશનમાં હાજર રહેતા નથી. તેઓ મેચના આગલા દિવસે આરામ કરતા હોય છે.

આ ઉપરાંત ફાઈનલ જ્યાં રમાવાની છે ત્યાં યુકેના હવામાન મુજબ અનુકૂળ થવું પણ પડકારજનક હોય છે. ત્યારે ઈંગ્લિશ કાઉન્ટી સિઝનની શરૂઆત થાય છે અને ડબલ્યુટીસી આઈસીસીની ઈવેન્ટ છે. જો આઈપીએલ ટીમના ખેલાડીઓ જેઓ પ્લે-ઓફ માટે ક્વોલિફાઈ થયા નતી તેઓ વહેલા યુકે જઈ શકે છે. તેઓ ઈન્ટ્રા-સ્ક્વોડ મેચો રમી શકે છે. જો બીસીસીઆઈ ઈંગ્લેન્ડ બોર્ડને વિનંતી કરે કે તેઓ પ્રેક્ટિસ મેચનું આયોજન કરે. તો પણ મોટા ભાગે નવા ખેલાડીઓ અથવા તો નાની કાઉન્ટી ટીમોના ખેલાડીઓ સામે જ રમવું પડી શકે છે, કેમ કે મોટી કાઉન્ટી ટીમો વોર્મ અપ મેચ માટે તેમના ખેલાડીઓને રિલીઝ કરશે નહીં. તેથી ફાઈનલ પહેલા મેચ પ્રેક્ટિસ પણ ભારતીય ટીમ માટે જરૂરી બની જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *