ઓસ્ટ્રેલિયા બહાર પ્રથમ સદી
29 ડિસેમ્બર 1993ના રોજ એડિલેડમાં જન્મેલો ટ્રેવિસ હેડ વિકેટકીપિંગ પણ કરે છે. ઓસ્ટ્રેલિયા બહાર આ તેની પ્રથમ સદી છે. ઈંગ્લિશ ધરતી પર પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ નોંધાવ્યો હતો. અગાઉ ટ્રેવિસ હેડે 2019માં એજબેસ્ટનમાં યજમાન ઈંગ્લેન્ડ સામે 51 રનની ઈનિંગ્સ રમી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની પ્રથમ સિક્સર ફટકારીને તે નવર્સ નાઈન્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ તેને તેમના બાઉન્સર અને શોર્ટ બોલથી પરેશાન કર્યો હતો પરંતુ તેને આઉટ કરી શક્યા ન હતા.
ધમાકેદાર અંદાજમાં રમ્યો ટ્રેવિસ હેડ
ટ્રેવિસ હેડે તેની પરિચિત શૈલીમાં રમતા ભારતીય ઝડપી બોલરો સામે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. જ્યારે અગાઉ લંચ પછી માર્નસ લાબુશેન (62 બોલમાં 26 રન)ના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ દબાણમાં આવી ગઈ હતી. લંચ બાદ પ્રથમ સુંદર બોલ પર મોહમ્મદ શમીએ લાબુશેનના ઓફ સ્ટમ્પને ઉખાડી નાંખ્યા હતા. ત્યારબાદ હેડ અને સ્મિથે બાજી સંભાળી હતી. ટ્રેવિસ હેડે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ સામે ચોગ્ગા ફટકારીને ભારત પર દબાણ બનાવ્યું હતું. હેડે શાર્દુલ ઠાકુરને ડીપ પોઈન્ટ પર ચોગ્ગો ફટકારીને તેની 14મી ટેસ્ટ અડધી સદી પૂરી કરી હતી. ભારતે અપેક્ષા મુજબ ઘાસવાળી પીચ અને વાદળછાયું વાતાવરણ જોતા ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભારતે રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ચાર ઝડપી બોલર શમી, સિરાજ, ઉમેશ યાદવ અને ઠાકુરનો સમાવેશ થતો હતો.