ભારતે સળંગ ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી
ભારતે સળંગ ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. રસપ્રદ વાત એ છે કે અગાઉ ત્રણેય વખત ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપ્યો હતો. આ વખતે પણ ભારતે 2-1થી સીરિઝ જીતી છે. ભારતે 2017માં ઘરઆંગણે રમાયેલી સીરિઝ બાદ 2018-19 અને 2020-21માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું હતું. ભારતે 2016-17માં ભારતમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં 2-1 અને 2020-21માં ઓસ્ટ્રેલિયામાં 2-1થી વિજય નોંધાવ્યો હતો. આમ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ટીમે સળંગ ચાર વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે.
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચ્યું
ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી છે. આ ઉપરાંત ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. જોકે, ભારતનું ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ રસપ્રદ રહ્યું હતું. ભારતે સીરિઝની ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતી લીધી હોત તો તે ફાઈનલમાં પહોંચી ગયું હોત. પરંતુ ઈન્દોર ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાએ ફાઈનલની ટિકિટ મેળવી લીધી હતી. તેથી ભારત માટે અમદાવાદ ટેસ્ટ મેચ જીતવી જરૂરી હતી.
અમદાવાદમાં પ્રથમ ત્રણ દિવસની રમત અને પિચની પરિસ્થિતિ જોતાં મેચ ડ્રો જશે તેવું લાગી રહ્યું હતું. તેવામાં તેનું ફાઈનલમાં પહોંચવું ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની સીરિઝના પરીણામથી નક્કી થવાનું હતું. શ્રીલંકાએ ફાઈનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 2-0થી વિજય નોંધાવવાની જરૂર હતી. જોકે, પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાનો પરાજય થયો. આ સાથે જ રોહિત શર્માની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ. ભારત સળંગ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યું છે. ગત સિઝનમાં પણ ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.