બીજા દાવમાં લાયન ત્રાટક્યો, ભારતીય બેટર્સ ફરીથી ફ્લોપ
ઈન્દોર ટેસ્ટના પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર્સ ભારતને ભારે પડ્યા હતા. મેથ્યુ કુહનેમને ઘાતક બોલિંગ કરી હતી જેના કારણે ટીમ ઈન્ડિયા 109 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જોકે, બીજા દાવમાં પણ ભારતીય બેટર્સ સ્પિનર્સ સામે ટકી શક્યા ન હતા. અનુભવી સ્પિનર નાથન લાયને વેધક બોલિંગ કરી હતી. ચેતેશ્વર પૂજારાને બાદ કરતા એક પણ ભારતીય બેટર્સ ટકી શક્યો ન હતો. પૂજારાએ ટીમ માટે સૌથી વધુ 59 રન ફટકાર્યા હતા. તેણે 142 બોલનો સામનો કરતાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
જ્યારે કેપ્ટન રોહિત શર્મા 12, શુભમન ગિલ 5, વિરાટ કોહલી 13, રવિન્દ્ર જાડેજા 7, શ્રેયસ ઐય્યર 26, વિકેટકીપર શ્રીકર ભરત 3 અને રવિચંદ્રન અશ્વિન 16 રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. નાથન લાયને લાજવાબ બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને તેણે ભારતના આઠ બેટર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. લાયને 23.3 ઓવરમાં 64 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને મેથ્યુ કુહનેમનને એક-એક સફળતા મળી હતી.
ઉમેશ યાદવ અને અશ્વિને ઝડપથી સમેટ્યો ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ
ઓસ્ટ્રેલિયાએ બુધવારે મેચના પ્રથમ દિવસે તેના પ્રથમ દાવમાં ચાર વિકેટે 156 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા મોટો સ્કોર કરશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ ગુરૂવારે મેચના બીજા દિવસે અશ્વિન અને ઝડપી બોલર ઉમેશ યાદવે તરખાટ મચાવી દીધો હતો. બંનેએ ઝડપથી વિકેટ લઈને કાંગારૂ ટીમને મોટો સ્કોર કરતાં અટકાવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 197 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 60 રન ફટકાર્યા હતા. જ્યારે માર્નસ લાબુશેને 31, કેપ્ટન સ્ટીવ સ્મિથે 26 અને કેમેરોન ગ્રીને 21 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ચાર તથા રવિચંદ્રન અશ્વિન અને ઉમેશ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.