ફક્ત ત્રણ ખેલાડીઓ છે અનુભવી
આ વખતે યુવાન અને બિનઅનુભવી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે આવી છે. સોળ સભ્યોની આ ટીમમાંથી માત્ર પાંચ ખેલાડી એવા છે જેમને કેરેબિયન ધરતી પર રમવાનો અનુભવ છે. બેટ્સમેનોની વાત કરીએ તો આ ટીમ ઈન્ડિયામાં આઠ નિષ્ણાત બેટ્સમેન છે જેમાંથી માત્ર ત્રણ રોહિત શર્મા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેને વેસ્ટ ઈન્ડિઝમાં રમવાનો અનુભવ છે. આવી સ્થિતિમાં આ ત્રણેય પર વધારાની જવાબદારી રહેશે. આ ત્રણેય મળીને કેરેબિયન ધરતી પર કુલ 17 ટેસ્ટ મેચ રમ્યા છે.
અશ્વિન બેટિંગમાં સારો દેખાવ કરી રહ્યો છે
ભારતીય બેટિંગ લાઈનઅપના બે સુપરસ્ટાર વિરાટ અને રોહિત વેસ્ટ ઈન્ડિઝમાં પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. રોહિત કેરેબિયન ધરતી પર માત્ર બે ટેસ્ટ રમ્યો છે અને તેની સરેરાશ માત્ર 25.00 છે. જ્યારે વિરાટ કોહલીની નવ ટેસ્ટમાં સરેરાશ 35.61 છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝમાં બેવડી સદી ફટકારી છે. પરંતુ તે ઈનિંગ્સ સિવાય તેણે કેરેબિયન ધરતી પર તેની બાકીની 12 ઈનિંગ્સમાં માત્ર બે વખત 50નો આંકડો પાર કર્યો છે.
એક રસપ્રદ વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝમાં અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ટીમમાં આ બે દિગ્ગજો કરતાં સારી એવરેજ છે. અશ્વિને વેસ્ટ ઈન્ડિઝમાં 58.75ની એવરેજથી રન નોંધાવ્યા છે, જે આ બંનેની સરેરાશ કરતા ઘણી સારી છે. વધતી ઉંમરને જોતા એમ કહી શકાય કે રોહિત અને વિરાટની કારકિર્દીનો આ છેલ્લો ટેસ્ટ પ્રવાસ હોઈ શકે છે. આ ઉપરાંત કેરેબિયન ધરતી પર પોતાને સાબિત કરવાની આ કદાચ તેમની છેલ્લી તક હોઈ શકે છે.
પેસ એટેક બિનઅનુભવી છે
આ પ્રવાસમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ પણ બિનઅનુભવી છે. જો તમે તમામ ફાસ્ટ બોલરોના આંકડાને જોડીએ તો તેમની પાસે કુલ 88 ટેસ્ટ વિકેટ છે. તેમાંથી સૌથી વધુ 52 વિકેટ મોહમ્મદ સિરાજના નામે છે. અશ્વિન માટે પણ બોલિંગ ચાવીરૂપ બની રહેશે, જે 2010થી વેસ્ટ ઈન્ડિઝમાં ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અશ્વિને સાત ટેસ્ટમાં 17 વિકેટ લીધી છે.
રહાણે પર રહેશે સૌની નજર
એક સમય હતો જ્યારે અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, આઈપીએલ-2023માં શાનદાર પ્રદર્શન બાદ તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમનો ફાઈનલમાં પરાજય થયો હતો પરંતુ રહાણે એકમાત્ર સફળ ભારતીય બેટર રહ્યો હતો. જોકે, આ પ્રવાસમાં તેનું પ્રદર્શન તેની આગળની ટેસ્ટ કારકિર્દી નક્કી કરશે. ઘણા યુવાન ખેલાડીઓ ટેસ્ટ ટીમમાં આવવા માટે સજ્જ છે અને એક ખરાબ પ્રવાસના કારણે રહાણે ફરી એકવખત ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ શકે છે. રહાણેએ વિદેશી ધરતી પર તેની 83માંથી 49 ટેસ્ટ રમી છે અને તેણે 40.28ની એવરેજથી 3223 રન નોંધાવ્યા છે. અજિંક્ય રહાણેએ 12 ટેસ્ટ સદી ફટકારી છે જેમાંથી આઠ સદી વિદેશી ધરતી પર ફટકારી છે.