એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ રન
સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. 2022માં સૂર્યા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન પણ છે. દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ માટે મુશ્કેલ પીચ પર સૂર્યકુમારે છગ્ગો મારી પોતાનું ખાતું ખોલ્યું હતું. તે પછીના બીજા દડે ફરીથી છગ્ગો ફટકારી દુનિયાના સૌથી ફાસ્ટ બોલરોમાં સામેલ એનરિચ નોર્તજેને બેકફૂટ પર ધકેલી દીધો.
ધવનનો રેકોર્ડ તોડ્યો
સૂર્યકુમારે એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ ટી-20 ઈન્ટરનેશનલ રન બનાવવાના મામલે શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શિખરે 2018માં ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 689 રન બનાવ્યા હતા. જે તેણે 17 ઈનિંગ્સમાં લગભગ 41ની સરેરાશ અને 147ની સ્ટ્રાઈક રેટની બનાવ્યા હતા. 2016માં વિરાટ કોહલીએ 641 અને 2018માં રોહિતે 590 રન બનાવ્યા હતા.
700 રન બનાવનારો પહેલો બેટ્સમેન
સૂર્યકુમાર 2022માં ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 700 રન બનાવનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેણે 21મી મેચની 21મી ઈનિંગ્સમાં આ કમાલ કર્યો. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 732 રન બનાવી લીધા છે. નેપાળના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ 17 ઈનિંગ્સમાં 626 રન બનાવ્યા છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને 12 ઈનિંગ્સમાં 619 રન બનાવ્યા છે. પરંતુ, સ્ટ્રાઈક રેટના મામલે કોઈપણ સૂર્યાની આસપાસ નથી. સૂર્યકુમારની આ રન લગભગ 180ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. ટોપ-5માં કોઈ અન્યનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ નથી. સૂર્યાએ આ વર્ષે 5 ફિફ્ટી અને એક સદી ફટકારી છે. સાઉથ આફ્રિકા સામે તેણે અણનમ 50 રનની ઈનિંગ્સ રમી. ભારતે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
Read Latest Sports News And Gujarati News