IND vs PAK: ભારત સામે હાર થતાં ગમમાં ડૂબ્યું પાકિસ્તાન, પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને તરત જ પાઠવ્યા અભિનંદન
હાર્દિક પંડ્યાનું શાનદાર પર્ફોર્મન્સ
28 ઓગસ્ટ 2022ના રોજ યોજાયેલી પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પર્ફોર્મ કર્યું. પહેલા તો ધારદાર બોલિંગથી પાકિસ્તાનના ટોપ ઓર્ડરને પેવેલિન ભેગો કર્યો હતો. હાર્દિકે પાકિસ્તાનના ત્રણ મોટા બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર ખાન અને ખુશદિલ શાહને આઉટ કર્યા હતા. બોલિંગ બાદ બેટિંગમાં પણ હાર્દિકનો જાદુ જોવા મળ્યો હતો. મેચમાં શરૂઆત વખતે પાકિસ્તાની બોલરોએ દબાણ બનાવ્યું હતું પરંતુ મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે ઉતરેલા રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા મજબૂત પાર્ટનરશીપ દ્વારા ટીમ ઈન્ડિયાને જીતની નજીક લાવ્યા હતા. છેલ્લી ઓવરમાં હાર્દિકે છગ્ગો ફટકારીને ભારતને પાંચ વિકેટે જીત અપાવી હતી. હાર્દિકે 17 બોલમાં 33 રન માર્યા હતા જેમાં એક ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
148 રનનો હતો ટાર્ગેટ
જણાવી દઈએ કે, ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 19.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા.
ટી20 વર્લ્ડ કપ માટે હાર્દિક પ્રબળ દાવેદાર
ટીમમાં વાપસી કર્યા બાદ હાર્દિક પંડ્યા સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. શરૂઆતમાં તે બોલિંગ નહોતો કરી શકતો એટલે ફક્ત બેટિંગ કરતો હતો. જોકે, તેણે ફિટનેસ પર ખૂબ ધ્યાન આપ્યું હતું. હવે તે માત્ર બેટિંગ જ નહીં ટી20માં ચાર ઓવરની સ્પેલ પણ કરે છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે હાર્દિકને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. ફિટ થયા પછી હાર્દિકે જાતે જ કહ્યું હતું કે, તે ટીમ ઈન્ડિયા માટે ફિલર કે એક-બે ઓવરમાં બોલિંગ નથી કરવા માગતો તે ચારેય ચાર ઓવર નાખશે કારણકે સંપૂર્ણપણે ફિટ છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાતને બનાવ્યું ચેમ્પિયન
IPLમાં સતત મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી રમતા હાર્દિક પંડ્યાને 2022માં નવી ટીમ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકે કેપ્ટન તરીકે સારો દેખાવ કર્યો ઉપરાંત ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ગત મહિને ટીમ ઈન્ડિયા આયરલેન્ડના પ્રવાસે ગઈ ત્યારે હાર્દિકને કેપ્ટન બનાવાયો હતો જ્યાં ભારતે 2-0થી સીરીઝ પોતાના નામે કરી હતી.