હેરી બ્રૂકનનું ખરાબ નસીબ
ઈંગ્લેન્ડની ઈનિંગ્સની 38મી ઓવરમાં નાથન લાયન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના બીજા દડામાં બાઉન્સ વધારે હતો. તે હેરી બ્રૂકના થાઈ પેડને અથડાઈને હવામાં જતો રહ્યો. વિકેટકીપર કેચ પકડવા જાય છે પણ એ તરફ દડો હતો જ નહીં. તે કન્ફ્યુઝ થઈ જાય છે કે દડો ક્યાં ગયો? બેટ્સમેનને પણ ખબર નથી કે દડો ક્યાં ગયો? ફિલ્ડરો પણ દડો શોધવા આકાશ તરફ આમ-તેમ ફાંફા મારતા લાગે છે. એવામાં વિકેટકીપરની નજર બેટ્સમેનની પીઠ તરફ હવામાંથી નીચે આવતા દડા પર પડે છે. તે કેચ લેવા એ તરફ ઝપટે છે, પરંતુ એ પહેલા તો દડો બ્રૂકના પગ પાસે પડે છે અને ટપ્પો ખાઈને વિકેટને ટકરાઈ જાય છે.
રિકી પોન્ટિંગ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગને પણ હેરી બ્રૂક જે રીતે આઉટ થયો તે જોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયો. તેણે કહ્યું કે, મેં ઘણા પ્રકારની વિકેટ પડતી જોઈ છે, આવું કંઈ ક્યારેય નથી જોયું. બ્રૂકના બોલ્ડ થયા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને પણ વિશ્વાસ નહોંતો આવતો. તેમની વિકેટની ઉજવણીમાં આશ્ચર્ય સ્પષ્ટ જોવા મળતું હતું.
કેપ્ટન સ્ટોક્સ પણ રહ્યો ફેઈલ
હેરી બ્રૂક સારી લયમાં બેટિંગ કરી રહ્યો હતો. તેણે 37 દડામાં 32 રનની ઈનિંગ્સ રમી. આ ઈનિંગ્સમાં 4 ચોગ્ગા સામેલ હતા. તેના આઉટ થયા પછી ક્રીઝ પર ઉતરેલો કેપ્ટન બેન સ્ટોક્સ પણ કમાલ ન કરી શક્યો. તે માત્ર એક રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો. વિકેટકીપર કેરીએ તેનો કેચ પકડ્યો.