વર્તમાન આઈપીએલની મોટા ભાગની મેચો ચાર કલાક જેટલી લંબાઈ છે. આ મેચો ત્રણ કલાક અને 20 મિનિટમાં પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પરંતુ ઘણી મેચો ચાર કલાક સુધી ખેંચાઈ છે. આઈપીએલ મીડિયા એડવાઈઝરીમાં જણાવ્યા પ્રમાણે મિનિમમ ઓવર રેટના આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ પ્રમાણે ગુજરાતની ટીમનો વર્તમાન સિઝનમાં આ પ્રથમ ઓફેન્સ છે. જેના કારણે હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગુજરાતની ટીમે ગુરૂવારે પંજાબ સામેની મેચમાં છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. જેમાં મોહિત શર્માએ 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઓપનર શુભમન ગિલે 49 બોલમાં 67 રનની ઈનિંગ્સ રમી હતી. ગુજરાત સામે 154 રનનો ટાર્ગેટ હતો અને હાર્દિક પંડ્યાની ટીમે આ ટાર્ગેટને 19.5 ઓવરમાં ચાર વિકેટના નુકસાને પાર પાડ્યો હતો.
વર્તમાન ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે ચાર મેચ રમી છે. જેમાંથી ત્રણ મેચમાં તેનો વિજય થયો છે જ્યારે એક મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં રિંકુ સિંહે અંતિમ ઓવરમાં સળંગ પાંચ સિક્સર ફટકારીને ગુજરાતના હાથમાંથી વિજય છીનવી લીધો હતો. ગુજરાતની ટીમે ગત વર્ષે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. પ્રથમ સિઝનમાં જ ગુજરાતની ટીમ ચેમ્પિયન બની હતી.