ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર ઈશાન કિશન પણ ઉદયપુરમાં હાજર રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર ત્યાંની તસ્વીર પણ શેર કરી હતી. ઈશાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેલની તસ્વીર શેર કરીને હાર્દિક પંડ્યાના લગ્નમાં હાજરી આપવા આવ્યો હોવાની માહિતી આપી હતી. હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પેજ પર લગ્નનની તસ્વીરો શેર કરી હતી.
તસ્વીરો શેર કરવાની સાથે તેણે લખ્યું હતું કે, અમે ત્રણ વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાઓને ફરીથી યાદ કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડે મનાવ્યો. અમે અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારા પરિવાર અને મિત્રોને પોતાની સાથે મેળવીને ધન્યતા અનુભવીએ છીએ. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ જાન્યુઆરી 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જ્યારે જુલાઈ 2020માં નતાશાએ તેમના પ્રથમ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા મૂળ સર્બિયન છે. નતાશા એક્ટ્રેસ અને ડાન્સર છે.
હાર્દિક પંડ્યા હાલમાં ભારતીય ટી20 ટીમના કેપ્ટન તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. આગામી વર્ષે રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યાને અત્યારથી જ કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં રોહિત શર્મા ટી20 ટીમનો નિયમિત સુકાની છે જ્યારે હાર્દિક પંડ્યા તેની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહ્યો છે. જોકે, ભવિષ્યમાં તે આ પદ માટે પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત તેને વન-ડે ટીમમાં વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.