તાજેતરમાં સંપન્ન થયેલા ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. હવે આગામી ટી20 વર્લ્ડ કપ 2024માં રમાવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ટીમ તૈયાર કરી રહી છે અને તેવામાં રોહિત શર્માને ટી20 ટીમના સુકાની પદેથી હટાવવામાં આવી શકે છે. રોહિત શર્માના સ્થાન માટે હાર્દિક પંડ્યાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.
ડેવિડ મિલર હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આઈપીએલમાં રમ્યો છે. હાર્દિક પંડ્યાને ગત સિઝનથી પદાર્પણ કરનારી ગુજરાત ટાઈટન્સ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો હતો અને ટીમે પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતી લીધું હતું. મિલરે જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યા એક નૈસર્ગિક સુકાની છે. તે ખેલાડીઓને તેઓ જે રીતે ઈચ્છે તે રીતે રમવા દે છે. ગુજરાત ટાઈટન્સને પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતાડવામાં તેની ભૂમિકા ઘણી જ મહત્વની રહી હતી. તે ઈચ્છે છે કે પ્રત્યેક ખેલાડીએ એકબીજાની નજીક રહે. આઈપીએલની સિઝન જેમ જેમ આગળ વધી હતી તેમ તે વધુને વધુ સારો બનતો ગયો હતો. ભારતીય ટીમ સાથે પણ તે આવું જ કરી રહ્યો છે.
લિજેન્ડરી બેટર સુનીલ ગાવસ્કર અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટી20 ટીમના સુકાની તરીકે હાર્દિક પંડ્યાને યોગ્ય ગણાવ્યો છે. આ અંગે પૂછતાં હાર્દિકે જણાવ્યું હતું કે, લોકો આવું કહી રહ્યા છે તે જાણીને સારું લાગી રહ્યું છે. પરંતુ હજી સત્તાવાર જાહેરાત થઈ નથી, તમે કંઈ કહી શકો નહીં. પ્રામાણિકતાથી કહું તો મારી બાબત એકદમ સરળ છે. જો હું એક મેચ કે સીરિઝ કરીશ તો હું ટીમને મારી રીતે લીડ કરીશ. જ્યારે પણ મને તક આપવામાં આવશે ત્યારે હું મારી સ્ટાઈલથી ક્રિકેટ રમીશ.