પ્રથમ મેચમાં યુવાન ઝડપી બોલર શિવમ માવિએ ચાર વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા પોતાના ક્વોટાની ચાર ઓવર કરી શક્યો ન હતો. અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે 13 રનની જરૂર હતી ત્યારે તેણે અક્ષર પટેલને બોલિંગ આપી હતી. આ અંગે મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં તેણે ખુલાસો કર્યો હતો કે શા માટે તેણે અંતિમ ઓવર અક્ષર પટેલ પાસે કરાવી હતી. તેણે કહ્યું હતું કે, કદાચ અમે મેચ હારી ગયા હોત પરંતુ બધુ બરાબર રહ્યું. હું આ ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવા ઈચ્છું છું કારણ કે તે મોટી મેચો માટે તૈયાર થઈ શકે. પ્રામાણિકતાથી કહું તો આજે તમામ યુવાન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.
અક્ષર પટેલે આ મેચમાં કોઈ વિકેટ ઝડપી ન હતી પરંતુ અંતિમ ઓવરમાં 13 રન બચાવીને હીરો બની ગયો હતો. જોકે, તેણે આક્રમક 31 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે દીપક હૂડાએ અણનમ 41 રન ફટકાર્યા હતા. આ બંનેએ અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરી હતી જેના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 162 રન નોંધાવી શકી હતી. હાર્દિક પંડ્યાએ આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીનો પ્રારંભ કરનારા શિવમ માવિની પ્રશંસા કરી હતી. તેણે આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી.
હાર્દિકે કહ્યું હતું કે, વાતચીત એકદમ સરળ હતી. મેં માવિને આઈપીએલમાં પ્રભાવશાળી પ્રદર્શન કરતો જોયો છે અને મને તેની તાકાતનો ખ્યાલ છે. મેં તેને એકદમ સિમ્પલ બોલિંગ કરવાનું જ કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે હું તારું સમર્થન કરું છું. જો તારી ઓવર્સમાં વધારે રન જશે તો પણ કોઈ વાંધો નથી. નોંધનીય છે કે માવિએ પોતાની પ્રથમ ટી20 મેચમાં જ 22 રન આપીને ચાર વિકેટ ઝડપીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.