ભારતીય ટી20 ટીમના સુકાની પદ માટેના પ્રબળ દાવેદાર હાર્દિક પંડ્યાને ગ્રુપ-સીમાંથી ગ્રુપ-બીમાં પ્રમોશન મળી શકે છે. બોર્ડની બેઠક વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવશે જેમાં 12 બાબતો એજન્ડમાં રહેશે. જોકે, ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના પ્રદર્શન અને બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝનું પ્રદર્શન આ એજન્ડમાં સામેલ રહેશે નહીં. પરંતુ ચેરપર્સનને લાગશે તો યાદીમાં ન હોય તેવી બાબતોની પણ ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકનો સૌથી અગત્યનો એજન્ડા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હશે. અજિંક્ય રહાણે અને ઈશાન્ત શર્મા ભારતીય ટીમની બહાર છે અને તેમને નવા કોન્ટ્રાક્ટમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. વિકેટકીપર બેટર રિદ્ધિમાન સહાને પણ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. ભારતીય બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ચાર કેટેગરી છે જેમાં A+ કેટેગરીમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા, A કેટેગરીમાં સામેલ ખેલાડીઓને 5 કરોડ, B કેટેગરીમાં સામેલ ખેલાડીઓને 3 કરોડ અને C કેટેગરીમાં સામેલ ખેલાડીોને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
કયા ખેલાડીને કઈ કેટગરીમાં સામેલ કરવો તે માટે ઘણી માપદંડો હોય છે. જેમાં તેમના પ્રદર્શનને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. જો, A+ અને A કેટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ નિયમિત રીતે ટેસ્ટ ઉપરાંત વન-ડે અથવા ટી20 ફોર્મેટ બંનેમાંથી કોઈ એકમાં રમતા હોય છે. બી ગ્રુપમાં ખેલાડી ઓછામાં ઓછા બે ફોર્મેટમાં નિયમિત રીતે રમતા હોય તેવા ખેલાડીઓને સામેલ કરાય છે. જ્યારે ગ્રુપ-સીમાં એવા ખેલાડીઓને સામેલ કરાય છે જે એક જ ફોર્મેટમાં રમતા હોય છે.
આ ઉપરાંત ખેલાડીએ વર્ષ દરમિયાન ચોક્કસ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય મેચો રમ્યો હોવો જોઈએ. જ્યારે કોઈ ખેલાડીને પ્રમોશન આપવા માટે તેના પ્રદર્શન અને આઈસીસી રેન્કિંગને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. બોર્ડના એક સિનિયર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ ગ્રુપ-સીમાં છે પરંતુ છેલ્લા એક વર્ષનું તેનું પ્રદર્શન જોતાં તેને ગ્રુપ-એમાં નહીં તો બીમાં તો સામેલ કરવો જોઈએ. હાલમાં તે ટી20 રેન્કિંગમાં નંબર-1 બેટર છે.
ઓપનર શુભમન ગિલ હાલમાં ટેસ્ટ અને વન-ડે એમ બે ફોર્મેટમાં નિયમિત રીતે રમી રહ્યો છે. તેથી તેને ગ્રુપ-સીમાંથી બીમાં પ્રમોટ કરવામાં આવી શકે છે. 2022માં બે ફોર્મેટમાં સારી એવી મેચો રમનારા ઈશાન કિશનને કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા ગત વર્ષે ઈજાના કારણે મોટા ભાગનો સમય મેદાનથી દૂર રહ્યો હતો. જોકે, ઈજામુક્ત થઈને પરત ફર્યા બાદ તેના પ્રદર્શનમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને આ ઉપરાંત તેણે ટી20 ટીમની કેપ્ટનસી પણ કરીને અપેક્ષા પ્રમાણે પરીણામો આપ્યા છે. જેના કારણે તેને આ વખતે ગ્રુપ-બીમાં પ્રમોશન મળી શકે છે.