મેચ દરમિયાન હનુમા વિહારીના કાંડામાં ઈજા થઈ હતી. કાંડામાં ફ્રેક્ચર થયું હોવા છતાં તે મેદાનમાં ઉતર્યો હતો અને બાદમાં બેટિંગ પણ કરી હતી. તેણે 57 બોલનો સામનો કરતાં 27 રન નોંધાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. ભલે તેની ઈનિંગ્સ નાની રહી પરંતુ જે રીતે હિંમત દેખાડીને તે ફ્રેક્ચરવાળા હાથે બેટિંગમાં ઉતર્યો હતો તેની પ્રશંસા થઈ રહી છે. હનુમા વિહારી જમણેરી બેટર છે પરંતુ ઈજાના કારણે તેણે ડાબા હાથે બેટિંગ કરી હતી. બોલીવુડ એક્ટ્રેસ સંયમી ખેરે વિડીયો શેર કરીને વિહારીની પ્રશંસા કરી હતી.
ક્વાર્ટર ફાઈનલમાં આંધ્રપ્રદેશે પ્રથમ દાવમાં 379 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં રિકી ભૂઈએ 250 બોલનો સામનો કર્યો હતો અને 18 ચોગ્ગા તથા એક સિક્સરની મદદથી 149 રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. જ્યારે કરણ શિંદેએ 264 બોલનો સામનો કરતા 12 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 110 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જોકે, હનુમા વિહારીને 27 રનની ઈનિંગ્સ સૌથી વધુ ચર્ચામાં રહી હતી.
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ક્વાર્ટર ફાઈનલમાં હનુમા વિહારી સારાંશ જૈનના બોલ પર આઉટ થયો હતો. હનુમા વિહારી એલબીડબલ્યુ આઉટ થયો હતો. મધ્ય પ્રદેશ માટે અનુભવ અગ્રવાલે સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે કુમાર કાર્તિકેય અને ગૌરવ યાદવને બે-બે સફળતા મળી હતી. અવેશ ખાન અને સારાંશ જૈને એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.