મોહમ્મદ શમી અને મોહિત શર્માની વેધક બોલિંગ સામે હૈદરાબાદ ઘૂંટણીયે
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 189 રનનો લક્ષ્યાંક હતો. જોકે, ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહિત શર્માની વેધક બોલિંગ સામે સનરાઈઝર્સ હૈદરાબાદ ઘૂંટણીયે પડી ગયું હતું. અનમોલપ્રીત સિંહ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. અનમોલપ્રીત પાંચ અને અભિષેક ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. કેપ્ટન એડન માર્કરામ 10 અને રાહુલ ત્રિપાઠી એક રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ટીમે 29 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
વિકેટકીપર બેટર હેનરિક ક્લાસેને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામે છેડે વિકેટો પડતી રહી હતી. સણવીર સિંહ સાત, અબ્દુલ શમદ ચાર અને માર્કો જેનસેન ત્રણ રન નોંધાવીને આઉટ થયા હતા. ત્યારે ટીમે 59 રનના સ્કોર પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી. હેનરિકે અડધી સદી ફટકારી હતી. તેણે 44 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 64 રન ફટકાર્યા હતા. જ્યારે ભુવનેશ્વરે 26 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સ માટે મોહમ્મદ શમી અને મોહિત શર્માએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે યશ દયાલને એક સફળતા મળી હતી.
શુભમન ગિલની લાજવાબ બેટિંગ, IPLમાં ફટકારી પોતાની પ્રથમ સદી
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને યજમાન ગુજરાત ટાઈટન્સ ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજા જ બોલ પર રિદ્ધિમાન સહા આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે, ગુજરાત ટીમનું બેટિંગ આકર્ષણ ઓપનર શુભમન ગિલની લાજવાબ બેટિંગ રહી હતી. તેણે શાનદાર પ્રદર્શન કરતાં આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 58 બોલમાં 13 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 101 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે સાઈ સુદર્શન સાથે મળીને 147 રનની ભાગીદારી નોંધાવી હતી. સુદર્શને 36 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 47 રન નોંધાવ્યા હતા.
જોકે, ત્યારપછીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા આઠ, ડેવિડ મિલર સાત અને રાહુલ તેવાટિયા ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. શનાકા નવ રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. જ્યારે રાશિદ ખાન, નૂર અહેમદ અને મોહમ્મદ શમી ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગા થયા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમારે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કો જેનસેન, ફઝલહક ફારૂકી અને નટરાજને એક-એક વિકેટ ઝડપી હતી.