GSL ટેબલ ટેનિસ લીગઃ તાપ્તિ ટાઈગર્સ ટીમ બની ચેમ્પિયન, ફાઈનલમાં શ્યામલ સ્ક્વોડને હરાવી - gsl table tennis league tapti tigers become champions in the first edition

GSL ટેબલ ટેનિસ લીગઃ તાપ્તિ ટાઈગર્સ ટીમ બની ચેમ્પિયન, ફાઈનલમાં શ્યામલ સ્ક્વોડને હરાવી – gsl table tennis league tapti tigers become champions in the first edition


ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) દ્વારા આયોજીત જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ સિઝનમાં તાપ્તિ ટાઈગર્સ ટીમ ચેમ્પિયન બની છે. અમદાવાદના એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાયેલી ફાઈનલમાં તાપ્તિ ટાઈગર્સનો સામનો શ્યામલ સ્ક્વોડ સામે હતો. આ મુકાબલો અંત સુધી રોમાંચક બની રહ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 4.5 લાખ રૂપિયાના ઈનામ હતા. વ્યક્તિગત ખેલાડીઓને 75,000 રૂપિયા તથા વિજેતા અને રનર-અપ ટીમને 3.75 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

શનિવારે આ લીગનો અંતિમ દિવસ હતો જે અત્યંત રોમાંચક રહ્યો હતો. અંતિમ દિવસે ટોપનોચ એચિવર્સ, કટારિયા કિંગ્સ, તાપ્તિ ટાઈગર્સ અને શ્યામલ સ્ક્વોડ ટોચની ટીમોમાં સામેલ રહી હતી અને તેમની વચ્ચે રોમાંચક મુકાબલા રમાયા હતા. શનિવારે બે ક્વોલિફાયર રાઉન્ડ અને એક એલિમિનેટર મુકાબલો રમાડવામાં આવ્યો હતો. જેની અંતમાં ફાઈનલ મુકાબલો હતો. પ્રથમ ક્વોલિફાયર મુકાબલો શ્યામલ સ્ક્વોડ અને ટોપનોચ એચિવર્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં વિજય સાથે શ્યામલ સ્ક્વોડ ફાઈનલમાં પહોંચી ગઈ હતી. બીજી ક્વોલિફાયરમાં તાપ્તિ ટાઈગર્સ અને કટારિયા કિંગ્સ ટીમ આમને સામને થઈ હતી. તાપ્તિ ટાઈગર્સ ત્યારબાદ એલિમિનેટરમાં કટારિયા કિંગ્સ સામે રમી હતી અને આ મુકાબલામાં પણ શાનદાર વિજય સાથે તે ફાઈનલમાં પહોંચી હતી.

જીએસએલ ટેબલ ટેનિસ લીગની આ પ્રથમ સિઝન હતી. જેને ખેલાડીઓ અને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ લીગમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડાલિસ્ટ મેન્સ ટીમનો ભાગ રહેલા સુરતના હરમીત દેસાઈ સહિતના ખેલાડીઓ રમ્યા હતા. જોકે, આ લીગમાં રમી રહેલા યુવાન ખેલાડીઓ માટે સૌથી મોટી ક્ષણ ત્યારે રહી હતી જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2022ના ગોલ્ડ મેડાલિસ્ટ અને 10 વખત ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયન રહેલા શરત કમલે ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. પદ્મશ્રી વિજેતા શરત કમલે અમદાવાદ આવીને લીગમાં રમી રહેલા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

લીગની સફળતા અંગે જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ટેબલ ટેનિસની લોકપ્રિયતા વધી છે. ઘણા યુવાન ખેલાડીઓ આ રમત પ્રત્યે આકર્ષાયા છે. આ લીગ પ્રથમ સિઝનની સફળતા એ તમામ વયજૂથના લોકોમાં આ રમત પ્રત્યે પ્રેમ, ઝુનૂન અને ઉત્સાહ સતત વધી રહ્યાં હોવાનો પૂરાવો આપ્યો છે. જીએસટીટીએ ખાતે અમારો ઉદ્દેશ્ય જુનિયર લેવલના ઉભરી રહેલા ખેલાડીઓને યોગ્ય એક્સપોઝર અને તક પૂરી પાડવાનો છે, જેથી તેઓ ટોચના સીનિયર ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરી શકે અને તેમના કૌશલ્યોને નિખારી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *