ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે મુંબઈ અને દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન પૃથ્વી શૉ, હાર્દિક પંડ્યાની સાથે ટી-20 ક્રિકેટમાં ભારતના ભવિષ્યના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. ગુજરાત ટાઈટન્સને આઈપીએલમાં 2022માં ટ્રોફી અપાવનારા પંડ્યા વર્તમાન કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવા માટે સૌથી આગળ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેણે આયર્લેન્ડ પ્રવાસમાં પહેલી વખત ટી-20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી અને ભારતે આ સીરિઝ 2-0થી જીતી લીધી હતી.
હાર્દિક ન્યૂઝીલેન્ડમાં ટી-20માં ભારતને 1-0થી સીરિઝ જીતાડી. તજજ્ઞોનું માનવું છે કે, સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા પછી ટી-20 વર્લ્ડ કપમાં ભારતની હાર પછી પંડ્યા ટી-20ની કેપ્ટનશિપ સંભાળે તેવી શક્યતા છે. ગંભીરે કહ્યું કે, ‘હાર્દિક પંડ્યા સ્પષ્ટ રીતે લાઈનમાં છે, પરંતુ તે રોહિત માટે કમનસીબી છે. મને લાગે છે કે, માત્ર એક આઈસીસી ઈવેન્ટમાં તેની કેપ્ટનશિપને આંકવી કદાચ તેના માટે યોગ્ય નથી.’
હાર્દિક પંડ્યા અંગે ગંભીરનું નિવેદન જોકે, વધારે આશ્ચર્યજનક નથી. પરંતુ, પૃથ્વી શૉને ભવિષ્યના કેપ્ટન તરીકે જોવું આશ્ચર્યજનક છે. મુંબઈના બેટ્સમેને ગત વર્ષે ઘણી ડોમેસ્ટિક ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતને અંડર-19 વર્લ્ડ કપ અપાવ્યા પછી શૉએ 2018માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને ત્યારથી માત્ર ચાર ટેસ્ટ રમી છે.
તેમ છતાં ગંભીરનું કહેવું છે કે, તેમણે શૉને કેપ્ટન તરીકે પસંદ કર્યો, કેમકે તેમને લાગે છે કે, તે ઘણો આક્રમક કેપ્ટન હશે. તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે, પૃથ્વી શૉ એક ઘણો જ આક્રમક કેપ્ટન સાબિત થશે. તે એક ઘણો જ સફળ કેપ્ટન હોઈ શકે છે, કેમકે તમે એ આક્રમકતાને જુઓ છો, જે રીતે એક વ્યક્તિ રમે છે.’ તેમણે કહ્યું કે, બેટ્સમેનની ઓફ-ફિલ્ડ ગતિવિધિઓ પર કન્ટ્રોલ કરવો એ કોચની જવાબદારી છે. ગંભીરે કહ્યું કે, ‘જે કારણે મેં પૃથ્વી શૉને પસંદ કર્યો છે, મને ખબર છે કે ઘણા લોકો તેની ઓફ-ફિલ્ડ ગતિવિધિઓ અંગે વાત કરે છે, પરંતુ કોચ અને પસંદગીકારોનું એ જ કામ છે. પસંદગીકારોએ માત્ર 15ની પસંદગી કરવાની નથી, પરંતુ ખેલાડીઓને યોગ્ય રસ્તે લાવવાના પણ હોય છે.’