ઈંગ્લેન્ડ બે ટી20 વર્લ્ડ કપ જીતનારી બીજી ટીમ બની
ઈંગ્લેન્ડે 2009માં પોલ કોલિંગવૂડની કેપ્ટનસીમાં પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. વન-ડે કે ટી20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડનો આ પ્રથમ વર્લ્ડ કપ હતો. જ્યારે 2022માં જોસ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડે બીજો ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. વેસ્ટ ઈન્ડિઝ બાદ ઈંગ્લેન્ડ બે ટી20 વર્લ્ડ કપ જીતનારી બીજી ટીમ બની છે. વેસ્ટ ઈન્ડિઝે 2012 અને 2016માં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત ઈંગ્લેન્ડ એક જ સમયે વન-ડે અને ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ છે. ઈંગ્લેન્ડે 2019માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. આમ ઈંગ્લેન્ડ હાલમાં વન-ડે અને ટી20 વર્લ્ડ ચેમ્પિયન છે. આવું કરનારી તે પ્રથમ ટીમ બની છે.
1992માં પણ બહાર થઈ જવાના આરે આવેલી પાકિસ્તાની ટીમ ફાઈનલમાં પહોંચી હતી
ટી20 વર્લ્ડ કપ 2022માં પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટની બહાર થવાના આરે આવી ગઈ હતી. જોકે, ગ્રુપ સ્ટેજના અંતિમ દિવસે નેધરલેન્ડ્સ સામે સાઉથ આફ્રિકાનો પરાજય થતાં પાકિસ્તાનને સેમિફાઈનલમાં જવાની તક મળી હતી. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને તે અંતિમ ચારમાં પહોંચનારી છેલ્લી ટીમ હતી. 1992ના વન-ડે વર્લ્ડ કપમાં પણ યજમાન ઓસ્ટ્રેલિયા હતું. ત્યારે પણ ઈમરાન ખાનની આગેવાનીવાળી પાકિસ્તાની ટીમની શરૂઆત પરાજય સાથે થઈ હતી. તે વખતે વેસ્ટ ઈન્ડિઝે સામે તે હાર્યું હતું જ્યારે બાબર આઝમની ટીમને ભારત સામે પરાજય મળ્યો હતો. બંને ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભારત સામે હાર્યું હતું. 1992 અને 2022માં પાકિસ્તાને વળતો પ્રહાર કર્યો હતો. 1992માં પાકિસ્તાન 9 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા (8 પોઈન્ટ)થી ઉપર હતું. તે વખતે પણ સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં આગળ હતું.
30 વર્ષ પહેલા પણ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું
ઈમરાન ખાનની ટીમે 1992ના વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. જ્યારે ફાઈનલમાં પણ તેમનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો અને ફાઈનલ પણ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમાઈ હતી. જોકે, ત્યારે પાકિસ્તાને ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું અને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ આ વખતે બાબર આઝમની ટીમ તેમ કરવામાં નિષ્ફળ રહી. બાબર આઝમ ઈમરાન ખાન જેવો ચમત્કાર કરી શક્યો નહીં અને ટીમને રનર અપથી સંતોષ માનવો પડ્યો છે.