દિલ્હી કેપિટલ્સને બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ શેફાલી (84 રન) અને કેપ્ટન મેગ લેનિંગ (72 રન) વચ્ચે પહેલી વિકેટ માટે 162 રનની ભાગીદારીની મદદથી બે વિકેટે 223 રનનો વિશોળ સ્કોર ખડક્યો હતો, જે મહિલાઓની ટી-20 ફ્રેન્ચાઈઝીના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે.
આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ 163 રન જ બનાવી શકી. તેના માટે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 35 રન, ઓલ રાઉન્ડર હીથર નાઈટે 34 રન અને એલિસ પેરીએ 31 રન બનાવ્યા હતા. મેગાન શટ 30 રન બનાવી અણનમ રહી. અંતમાં નાઈટ (34 રન) મોગાન શટ વચ્ચે આઠમી વિકેટ માટે 28 દડામાં 54 રનની ભાગીદારીથી સ્કોર અહીં સુધી પહોંચ્યો, નહીં તો હારનું અંતર મોટું હોઈ શકતું હતું. દિલ્હી કેપિટલ્સ માટે તારા નોરિસે ચાર ઓવરમાં 29 રન આવી 5 વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત એલિસ કેપ્સે બે અને શિખા પાંડેએ એક વિકેટ ઝડપી હતી.
આરસીબીની કેપ્ટન મંધાનાએ શેફાલી અને લેનિંગની ભાગીદારીને તોડવા માટે સાત બોલર્સ અજમાવ્યા હતા. આખરે ઈંગ્લેન્ડની હીથર નાઈટ આ જોડી તોડવામાં સફળ રહી હતી. નાઈટે 15મી ઓવરમાં બંને ખેલાડીઓને આઉટ કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તે પછી મરિજાના કાપ (અણનમ 39 રન) અને જેમિમા રોડ્રિગ્સ (અણનમ 22 રન)એ 31 દડામાં 60 રનની ભાગીદારી કરી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 223 રને પહોંચાડ્યો હતો.