ચહરે શનિવારે સવારે ટીમના પ્રેક્ટિસ સેશન પહેલા ટ્વિટ કર્યું હતું કે, મલેશિયન એરલાઈન્સમાં પ્રવાસ કરવો ઘણો ખરાબ અનુભવ રહ્યો. પહેલા અમારી ફ્લાઈટ બદલી દેવામાં આવી અને તેની જાણકારી પણ અમને આપવામાં આવી ન હતી. ત્યારબાદ બિઝનેસ ક્લાસમાં ભોજન પણ આપવામાં આવ્યું ન હતું. હવે અમે છેલ્લા 24 કલાકથી અમારા સામાનની રાહ જોઈ રહ્યા છીએ. મારે રવિવારે મેચ રમવાની છે.
ન્યૂઝીલેન્ડમાં વન-ડે સીરિઝ પૂરી થયા બાદ દીપર ચહર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, શિખર ધવન, શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર ક્રાઈસ્ટચર્ચથી કુઆલાલમ્પોર થઈને ઢાકા પહોંચ્યા હતા. આ સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને આરામ આપવામાં આવ્યો છે જેથી તે ન્યૂઝીલેન્ડથી સીધો ભારત આવ્યો છે. ઝડપી બોલર ઉમરાન મલિક પણ ભારત આવ્યો હતો. જોકે, મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે તેને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેથી તેણે હવે ઢાકા જવું પડશે.
મલેશિયન એરલાઈન્સે ચહરને ફરિયાદ નોંધાવવા માટે એક લિંક મોકલી હતી પરંતુ ક્રિકેટરનું કહેવું છે કે તે લિંક ખુલી રહી નથી. મલેશિયન એરલાઈન્સે ટ્વિટર પર જવાબ આપ્યો હતો કે, હવામાન અથવા તો ટેકનિકલ કારણોસર આવું થયું હોઈ શકે છે. તમને જે તકલીફ પડી તે માટે અમે ક્ષમા માંગીએ છીએ.
નોંધનીય છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ રમીને ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગઈ હતી. ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતના સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતને ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ રમવાની હતી. જોકે, વરસાદના કારણે ફક્ત એક જ ટી20 અને એક જ વન-ડે શક્ય બની હતી. હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ભારતીય ટીમે 1-0થી ટી20 સીરિઝ જીતી હતી જ્યારે વન-ડે સીરિઝ પર ન્યૂઝીલેન્ડે 1-0થી કબ્જો જમાવ્યો હતો.