ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની તોફાની બેટિંગ
પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ તોફાની અંદાજમાં શરૂઆત કરી હતી. આ જોડીએ શરૂઆતથી જ લખનૌના બોલર્સને દબાણમાં રાખ્યા હતા અને શરૂઆતથી જ તેમના પર આક્રમણ કરી દીધું હતું. આ જોડીએ 9.1 ઓવરમાં 110 રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. કોનવેએ 29 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર સાથે 47 રન નોંધાવ્યા હતા. જ્યારે ગાયકવાડે ટીમ માટે સૌથી વધુ 57 રન નોંધાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી.
આ જોડી આઉટ થયા બાદ ત્યારપછીના બેટર્સે પણ રન ગતિ જાળવી રાખી હતી. જેમાં શિવમ દૂબેએ 16 બોલમાં 27 રન તથા અંબાતી રાયડુએ 14 બોલમાં અણનમ 27 રન ફટકાર્યા હતા. ધોની બેટિંગમાં ઘણા નીચા ક્રમે આવ્યો હતો. તેણે ફક્ત ત્રણ બોલ રમ્યા હતા જેમાંથી પ્રથમ બે બોલમાં તેણે બે સિક્સર ફટકારી હતી. જ્યારે મોઈન અલીએ 13 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ માટે માર્ક વૂડ અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાનને એક સફળતા મળી હતી.
કાયલે માયર્સની તોફાની અડધી સદી એળે ગઈ
218 રનના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે લડત આપી હતી પરંતુ તેમની લડત એળે ગઈ હતી. જેમાં ઓપનર કાયલે માયર્સે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ફક્ત 22 બોલમાં જ આઠ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 53 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન લોકેશ રાહુલ 18 બોલમાં 20 રન નોંધાવીને આઉટ થયો હતો. લખનૌએ વિના વિકેટ 79 રન નોંધાવ્યા હતા પરંતુ ત્યારબાદ ચાર રનની અંદર ટીમે ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. 79 રનના સ્કોર પર માયર્સ આઉટ થયો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 82 રન હતો ત્યારે લોકેશ રાહુલ અને દીપક હૂડા આઉટ થઈ ગયા હતા. હૂડાએ બે રન નોંધાવ્યા હતા જ્યારે કૃણાલ પંડ્યા 9 રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
માર્ક્સ સ્ટોઈનિસે 118 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. નિકોલસ પૂરન અને આયુષ બદોનીએ ટીમને વિજય અપાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમના પ્રયાસ સફળ રહ્યા ન હતા. પૂરને 18 બોલમાં 32 રન ફટકાર્યા હતા જેમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. જ્યારે ક્રિષ્નપ્પા ગૌતમ 17 અને માર્ક વૂડ 10 રન નોંધાવીને નોટઆઉટ રહ્યા હતા. લખનૌ ટીમ 20 ઓવર 7 વિકેટે 205 રન નોંધાવી શકી હતી. ચેન્નઈ માટે મોઈન અલીએ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે તુષાર દેશપાંડેએ બે તથા મિચેલ સેન્ટનરે એક વિકેટ ખેરવી હતી.