ગુજરાતે ટોસ જીતીને યજમાન ધોનીસેનાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડના 60 અને ડેવોન કોનવેના 40 રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 172 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ગુજરાત માટે શુભમન ગિલે 42 અને રાશિદ ખાને 30 રન ફટકાર્યા હતા.
શુભમન ગિલ અને રાશિદ ખાનની લડત છતા ગુજરાતનો પરાજય
ગુજરાત સામે 173 રનનો લક્ષ્યાંક હતો પરંતુ તેની શરૂઆત સારી રહી ન હતી. રિદ્ધિમાન સહા અને ઈનફોર્મ શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી. પરંતુ સહા 12 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. હાર્દિક પંડ્યા આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને દાસુન શનાકાએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક ખોટો શોટ રમીને શનાકા આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 17 રન નોંધાવ્યા હતા.
સામે છેડે વિકેટો પડી રહી હતી ત્યારે ગિલે એક છેડો જાળવી રાખ્યો હતો. અંતે દીપક ચહરે તેને આઉટ કરીને ચેન્નઈને મોટી સફળતા અપાવી હતી. શુભમન ગિલે 38 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે 42 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ડેવિડ મિલર ચાર અને રાહુલ તેવાટિયા ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 16 બોલમાં 30 રન ફટકારીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો પ્રયાસ ટીમ માટે પૂરતો ન હતો. ચેન્નઈ માટે દીપક ચહર, મહીશ તિક્શના, રવિન્દ્ર જાડેજા અને પથિરાનાએ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે તુષાર દેશપાંડેને એક સફળતા મળી હતી.
ઋતુરાજ ગાયકવાડની અડધી સદી, કોનવેની શાનદાર બેટિંગ
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ટીમ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. આ બંનેએ આક્રમક શરૂઆત કરીને ટીમના સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો હતો. કોનવે અને ગાયકવાડની જોડીએ 10.3 ઓવરમાં 87 રનની ભાગીદારી નોંધાવી હતી. કોનવે 34 બોલમાં 40 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ગાયકવાડે 44 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 60 રનની ઈનિંગ્સ રમી હતી.
જોકે, ત્યારબાદ અન્ય કોઈ બેટર મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો. શિવમ દૂબે એક તથા અજિંક્ય રહાણે 17 રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. જ્યારે અંબાતી રાયડુએ નવ બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 17 રન ફટકાર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક જ રન નોંધાવી શક્યો હતો. ગુજરાત માટે મોહિત શર્મા અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે દર્શન નાલકંડે, રાશિદ ખાન અને નૂર અહેમદને એક-એક સફળતા મળી હતી.