વર્તમાન વર્લ્ડ કપમાં મોરોક્કોએ વધુ એક અપસેટ સર્જ્યો
વર્તમાન વર્લ્ડ કપમાં મોરોક્કોની ટીમ જાયન્ટ કિલર સાબિત થઈ છે. મોરોક્કોનો આ ત્રીજો મોટો અપસેટ છે. મોરોક્કો વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની એક પણ મેચ હાર્યું નથી. તેણે પોતાની પ્રથમ ગ્રુપ મેચમાં ક્રોએશિયા જેવી પોતાનાથી મજબૂત ટીમ સામે 0-0થી ડ્રો રમ્યું હતું. ક્રોએશિયા વર્તમાન વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું છે. ત્યારબાદ મોરોક્કોએ બેલ્જિયમને 2-0થી હરાવ્યું હતું. જ્યારે રાઉન્ડ-16ના મુકાબલામાં મોરોક્કોએ 2011ની ચેમ્પિયન સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-0થી પરાજય આપ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલ સામે 1-0થી વિજય નોંધાવ્યો છે. આ સાથે મોરોક્કોની ટીમ ફૂટબોલ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની ગઈ છે.
ક્વાર્ટર ફાઈનલમાં પણ રોનાલ્ડોને બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્તમાન વર્લ્ડ કપમાં પોર્ટુગલ ટીમનો સુકાની છે પરંતુ ક્વાર્ટર ફાઈનલ જેવી મહત્વની મેચમાં તેને શરૂઆતમાં બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો. તેના સ્થાને ગોન્સાલો રામોસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં રોનાલ્ડોને સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે કોઈ કમાલ કરી શક્યો ન હતો. મંગળવારે સ્વિટઝર્લેન્ડ સામેની મેચમાં પણ રોનાલ્ડોને બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હતો. જોકે, તે મેચમાં પોર્ટુગલે 6-1થી વિજય નોંધાવ્યો હતો જેમાં રામોસે હેટ્રિક નોંધાવી હતી. પોતાને બેન્ચ પર બેસાડી રાખવાના કારણે રોનાલ્ડો કોચ ફર્નાન્ડો સાન્ટોસ પર રોષે ભરાયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડોએ ટુર્નામેન્ટ છોડીને જતાં રહેવાની ધમકી પણ આપી હતી. જોકે, પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને આ રિપોર્ટને ફગાવી દીધા હતા.