જોગિન્દર શર્માએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે, હું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. મારી કારકિર્દીમાં 2002માં શરૂ થઈ હતી અને 2017 સુધી મેં તેનો આનંદ માણ્યો. હું બીસીસીઆઈ, હરિયાણા, ચેન્નઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માનું છું. ટીમના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તથા ફેન્સ વગર આ સફર અધૂરી રહી હોત. તમામ લોકોના પ્રેમ અને સમર્થન બદલ હું તેમનો આભાર માનું છું.
ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન થયા હતા આમને-સામને
ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટે 157 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેમાં ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રન ફટાકર્યા હતા જ્યારે રોહિત શર્માએ 16 બોલમાં તોફાની 30 રન ફટકાર્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને 26 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, પહેલા યુનિસ ખાન (24 રન) અને બાદમાં મિસબાહ ઉલ હક (43 રન) પાકિસ્તાનને જીતની નજીક લઈ ગયા હતા.
અંતિમ ઓવરનો રોમાંચ
અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. મેદાન પર મિસબાહ ઉલ હકે એક છેડો જાળવી રાખીને બેટિંગ કરી હતી અને ભારતની ચિંતાઓ વધારી દીધી હતી. કટોકટીની ક્ષણે કેપ્ટન ધોનીએ જોગિન્દર શર્માને અંતિમ ઓવર આપી હતી. જેના કારણે તમામ લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે, જોગિન્દરે પોતાના પર મૂકેલા વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો હતો અને ઓવરના ત્રીજા બોલ પર મિસબાહને શ્રીસંતના હાથે કેચ આઉટ કરાવીને ટીમને ચેમ્પિયન બનાવી હતી.