ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતની આગામી ટેસ્ટ સીરિઝ વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. ભારતીય ટીમ તમામ ફોર્મેટની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ એટલે કે કેરેબિયન દેશોનો પ્રવાસ કરશે. અહીં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સિરીઝ રમશે. ડોમિનિકામાં 12 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની હકાલપટ્ટી નિશ્ચિત છે. ટીમમાં તેના સ્થાને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવશે.
ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. યશસ્વી જયસ્વાલે આ વર્ષે IPL 2023માં ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે. તેના પ્રદર્શનથી ક્રિકેટ દિગ્ગજો પણ પ્રભાવિત થયા હતા. હવે આ 21 વર્ષીય ખેલાડી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે તૈયાર છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ આગામી મેચો માટે ટીમની જાહેરાત કરી નથી. યશસ્વી જયસ્વાલ WTC 2023 ફાઈનલ માટે ઈંગ્લેન્ડ ગયો હતો, પરંતુ તે મૂળ 15 સભ્યોની ટીમમાં નહોતો. તે ત્રણ સ્ટેન્ડબાય ખેલાડીઓમાંથી એક હતો.
મુંબઈનો આ ક્રિકેટર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારાના સ્થાને લેવાનો છે અને તે નંબર-3 પર બેટિંગ કરશે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ આ ક્રમે રમે છે. સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પૂજારા આ વર્ષે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે હવે તેના સ્થાન પર સવાલ ઉઠી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેને પડતો મૂકવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ શ્રેણી માટે કેપ્ટન તરીકે ચાલુ રહે તેવી શક્યતા છે.
એક સૂત્રએ કહ્યું હતું કે, દરેક ટેસ્ટ મહત્વપૂર્ણ છે અને તેના પરિણામની અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલ પર પડશે. અમે ટેસ્ટ મેચોમાં અખતરા કરી શકતા નથી. પૂજારા ઉપરાંત ટોચના પાંચ બેટ્સમેનોમાંના અન્ય ચાર (રોહિત, શુભમન ગિલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે) ડોમિનિકા અને ત્રિનિદાદમાં રમાનાર બે ટેસ્ટ માટે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાનું નિશ્ચિત છે. પરંતુ WTC 2023 ફાઈનલમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરનાર સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીને વેસ્ટ ઇન્ડીઝમાં બે ટેસ્ટ માટે આરામ આપવામાં આવે તેવી શક્યતા છે.