પ્રથમ દાવમાં રન ન નોંધાવી શક્યા તે હારનું મોટું કારણ
મેચ બાદ રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની હારનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારે તમે એક ટેસ્ટ મેચ હારો છો તો ઘણી બધી બાબતો હોય છે જે તમારા પક્ષમાં હોતી નથી. અમે પ્રથમ ઈનિંગ્સમાં સારી બેટિંગ કરી શક્યા ન હતા તે તો સ્પષ્ટ વાત છે. અમે સમજીએ છીએ કે રન નોંધાવવા કેટલું મહત્વનું છે. એક વખત તેમણે 80-90 રનની સરસાઈ મેળવી લીધી તો અમારે એક મોટી ઈનિંગ્સ રમવાની હતી પરંતુ અમે તેવું કરી શક્યા નહીં. અમે પ્રથમ ઈનિંગ્સમાં સારી બેટિંગ કરી હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. અમે આ વિશે વિચાર કરીશું.
રોહિત શર્માએ તે પણ જણાવ્યું હતું કે, આ અંગે વિચારવા માટે થોડો સમય છે. અમારે તે સમજવાની જરૂર છે કે પિચ કોઈ પણ પ્રકારની હોય પરંતુ અમારે સારું પ્રદર્શન કરવું પડશે. જ્યારે તમે પડકારજનક પિચો પર રમી રહ્યા હોવ છો તો તમારે સાહસ દેખાડવું પડશે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન બોલર્સે યોગ્ય લેન્થ પર બોલિંગ કરી હતી જેણે અમારા બેટર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા.
રોહિત શર્માએ નાથન લાયનની પ્રશંસા કરી
ઓસ્ટ્રેલિયાના વિજયમાં તેના અનુભવી સ્પિનર નાથન લાયનનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. નાથન લાયને બીજા દાવમાં 8 વિકેટ ઝડપી હતી જેના કારણે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં પણ મોટો સ્કોર કરી શકી ન હતી. મેચ બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે તેણે એક જ જગ્યા પર બોલિંગ કરી હતી જેના કારણે તે સફળ રહ્યો. હું ઈચ્છું છું કે અમારા ખેલાડી આવા પડકારોનો સામનો કરવા સજ્જ બને. અમે ચોક્કસથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ઈન્દોરમાં અમે અમારી યોજનાઓમાં નિષ્ફળ રહ્યા. નોંધનીય છે કે નાથન લાયન ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. તેણે ભારત સામે 113 વિકેટ ઝડપી છે અને તેણે શ્રીલંકન લિજેન્ડ મુથૈયા મુરલીધરનના રેકોર્ડને તોડી નાંખ્યો છે.