જોકે, આ બોમ્બ વિસ્ફોટમાં કોઈ ખેલાડીને ઈજા થયાના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ જણાવાઈ રહ્યું છે કે, પાંચ નાગરિકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા છે. રિપોર્ટ મુજબ, આ હુમલાની જવાબદારી તહરીક-એ-પાકિસ્તાન (TTP)એ લીધી છે. ટીટીપીના એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, વિસ્ફોટ સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવીને કરાયો હતો.
વિસ્ફોટ પછી રોકી દેવાઈ મેચ
ક્વેટા ગ્લેડિયેટર્સ અને પેશાવર જાલ્મી વચ્ચે રમાઈ રહેલી આ એક્ઝિબિશન મેચને બોમ્બ વિસ્ફોટ પછી રોકી દેવાઈ હતી. ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને ડ્રેસિંગ રૂમમાં લઈ જવાયા. જોકે, સ્થિતિ શાંત થયા પછી મેચ ફરી શરૂ કરાઈ હતી. તો, પીએસએલની આ મેચને જોવા માટે હજારોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં આવ્યા હતા. એવામાં વિસ્ફોટથી ઘણું મોટું નુકસાન થયું હોત.
હુમલા પછી ક્વેટાના સ્થાનિક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘જેવો વિસ્ફોટનો અવાજ સંભળાયો કે તરત મેચને રોકી દેવાઈ અને ખેલાડીઓને થોડા સમય માટે ડ્રેસિંગ રૂમમાં લઈ જવાયા. જોકે, ખતરો ટળ્યા પછી મેચ ફરી શરૂ કરવામાં આવી.’
સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં નથી રમાઈ રહી મોટી ટૂર્નામેન્ટ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી કોઈપણ મોટી મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટને આયોજિત નથી કરાઈ. તે પછી સૌથી મોટું કારણ સુરક્ષા જ રહ્યું છે. જોકે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી કેટલીક મોટી ટીમો પાકિસ્તાનમાં બાયલેટરલ સીરિઝ રમવા જરૂર આવી છે, પરંતુ આ વર્ષે રમાનારા એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાતી હોવાનું દેખાઈ રહ્યું ચે, જેનું એક મુખ્ય કારણ સુરક્ષા જ છે.
માત્ર એશિયા કપ જ નહીં, પાકિસ્તાનને આ વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી હતી, પરંતુ તેના પર પણ ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. કેમકે, પાકિસ્તાનમાં અવાર-નવાર અલગ-અલગ જગ્યાઓ પર બોમ્બ વિસ્ફોટ થતા રહે છે, જેના કારણે મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટને અહીં આયોજિત કરવાનું ઘણું જોખમ ભર્યું હોઈ શકે છે.