BCCI’s Asia Cup team Review: બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહે (Jay Shah) રાષ્ટ્રીય પસંદગી સમિતિ સાથે ચર્ચા કરી હતી અને એશિયા કપમાં ટીમના પ્રદર્શનની ચર્ચા કરી હતી. બોર્ડના એક સિનિયર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, એશિયા કપના પ્રદર્શનની ચર્ચા કરવામાં આવી હતી.
હાઈલાઈટ્સ:
- ટી20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત અગાઉ બીસીસીઆઈ એ એશિયા કપનો રિવ્યુ કર્યો હતો
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મતે મિડલ ઓર્ડરમાં ધીમી બેટિંગના કારણે ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું
- ટીમ પસંદગી દરમિયાન વિકેટકીપર બેટર સંજૂ સેમસનના નામની કોઈ ચર્ચા થઈ ન હતી
આ ટીમની જાહેરાત અગાઉ બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે રાષ્ટ્રીય પસંદગી સમિતિ સાથે ચર્ચા કરી હતી અને એશિયા કપમાં ટીમના પ્રદર્શનની ચર્ચા કરી હતી. બોર્ડના એક સિનિયર અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, એશિયા કપના પ્રદર્શનની ચર્ચા કરવામાં આવી હતી. ચોક્કસથી તેમાં પ્રશ્નો વધારે હતા પરંતુ ફોકસ નિરાકરણ પર હતું. ટી20 વર્લ્ડ કપ દરમિયાન કઈ બાબતોમાં સુધારાની જરૂર છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.
કેટલાક મુદ્દાઓ હતા પરંતુ તમામ લોકો સહમત હતા કે મિડલ ઓર્ડરમાં ભારતીય બેટર્સનો બેટિંગ એપ્રોચ એશિયા કપમાં સૌથી મોટો પ્રોબલેમ રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, એશિયા કપમાં મિડલ ઓવર્સમાં ખાસ કરીને 7થી 15 ઓવર દરમિયાન બેટિંગમાં સમસ્યા હતી. ચોક્કસથી ટીમની થિંક-ટેંક આ વાતથી વાકેફ છે અને આપણી પાસે ઘણા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે જેઓ ટીમની જરૂરિયાત પ્રમાણે તેમની ગેમમાં ફેરફાર કરી શકે છે. પ્રથમ બેટિંગ હોય કે પછી ટાર્ગેટ ચેઝ કરવાનો હોય તમે જોશો તો ખ્યાલ આવશે કે ભારતીય બેટિંગ 7થી 15 ઓવર દરમિયાન નબળી જોવા મળી હતી.
ટી20 વર્લ્ડ કપ માટે સેમસનના નામની ચર્ચા ન હતી થઈ
ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી પહેલા ચર્ચા હતી કે વિકેટકીપર બેટર સંજૂ સેમસનને રિશભ પંતના બદલે 15 સભ્યોની ટીમમાં તક આપવામાં આવશે. પરંતુ જાણવા મળ્યું છે કે રાજસ્થાન રોયલ્સના સુકાની રહેલા સેમસનના નામની ચર્ચા પણ કરવામાં આવી ન હતી. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, રિશભ પંતને પડતો મૂકવાની કોઈ જ ચર્ચા થઈ ન હતી. ટીમમાં તે એકમાત્ર ડાબોડી બેટર છે અને તે એક મેચ વિનર ખેલાડી છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ