ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલે (Axar Patel) હાલ ન્યૂઝીલેન્ડ સાથેની સીરીઝમાંથી બ્રેક લીધો છે. અક્ષર પટેલે લગ્ન માટે બ્રેક લીધો હતો. 26 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક ક્રિકેટરની ‘વિકેટ’ પડી ગઈ છે. અક્ષર પટેલે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ મેહા પટેલ (Meha Patel) સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. વડોદરામાં અક્ષર પટેલ અને મેહાએ શાહી ઠાઠથી લગ્ન કર્યા હતા. પરિવારના સભ્યો અને અંગત મિત્રો ઉપરાંત જયદેવ ઉનડકટ, મોહમ્મદ કૈફ જેવા પૂર્વ ક્રિકેટરો પણ લગ્નમાં સામેલ થયા હતા. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરના દિલ પર રાજ કરતી મેહા વિશે તમને અહીં કેટલીક ખાસ વાતો જણાવીશું.
ડાયટિશિયન છે મેહા પટેલ
મેહા પટેલનો જન્મ 26 માર્ચના રોજ નડિયાદમાં થયો છે. તે અહીં જ ઉછરી છે અને અભ્યાસ કર્યો છે. મેહા પટેલ સુંદરતામાં હીરોઈનોને ટક્કર આપી શકે છે. તેની ફિટનેસના કારણે જ સુંદરતામાં ઓર નિખાર આવ્યો છે. અક્ષર પટેલની પત્ની મેહા ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ છે. મેહા સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને ડાયટ ટિપ્સ આપે છે.
મેહાને ટ્રાવેલિંગનો શોખ
મેહાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ તેની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. મેહાને ટ્રાવેલિંગનું પણ ઘણો જ શોખ છે. આ વાત તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવામાં આવેલી વિવિધ ટ્રાવેલ પોસ્ટ પરથી ખબર પડી જ જાય છે.
એનિમલ લવર છે મેહા
અક્ષર પટેલની પત્ની મેહાને પશુઓથી પણ ખૂબ પ્રેમ છે. એનિમલ લવર મેહા પાસે એક પાલતુ શ્વાન છે અને તેનું નામ ગુચ્ચી છે. અક્ષર અને મેહાએ લગ્ન બાદ ગુચ્ચી સાથે પણ પોઝ આપ્યા હતા.
ગત વર્ષે મેહા-અક્ષરે કરી હતી સગાઈ
અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી રિલેશનશીપમાં હતા. ગત વર્ષે અક્ષરે મેહાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. જાન્યુઆરી 2022માં કપલે સગાઈ કર્યા બાદ 26 જાન્યુઆરી 2023માં તેમણે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ લગ્ન કર્યા છે. અક્ષર પટેલના લગ્નના ત્રણ દિવસ પહેલા કેએલ રાહુલે લગ્ન કર્યા હતા. તેણે સુનીલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ આથિયા સાથે 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા.