અફઘાનિસ્તાન સામેની મેચમાં નોંધાયેલા રેકોર્ડ્સ
ભારતે અફઘાનિસ્તાન સામે 101 રને વિજય નોંધાવ્યો જે રનની દ્રષ્ટીએ ભારતનો બીજો સૌથી મોટો વિજય છે. ભારતે 2018માં આયર્લેન્ડ સામે 143 રને વિજય નોંધાવ્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાન માટે રનની દ્રષ્ટીએ આ બીજો સૌથી મોટો પરાજય છે. 2012માં ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનનો 116 રને પરાજય થયો હતો. ભુવનેશ્વરે ચાર ઓવરમાં ચાર રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જે ટી20 ક્રિકેટમાં ભારતીય બોલર તરીકે ત્રીજુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. દીપક ચહરે 2019માં નાગપુરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશ સામે સાત રન આપીને છ વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 2017માં બેંગલુરૂમાં ઈંગ્લેન્ડ સામે 25 રનમાં છ વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ 122 રનની અણનમ ઈનિંગ્સ રમી જે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં તેની પ્રથમ સદી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ભારતીય બેટર દ્વારા નોંધાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. તેણે 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી પણ કરી.
ભુવનેશ્વર કુમારના તરખાટ સામે અફઘાનિસ્તાન વેરવિખેર થયું
213 રનના કપરા લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાની ટીમ લડત આપશે તેવું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ભુવનેશ્વર કુમારની વેધક બોલિંગની સામે અફઘાની બેટર્સ લાચાર જોવા મળ્યા હતા. હજી ટીમનું ખાતું ખુલ્યું ન હતું ત્યાં જ ભુવનેશ્વરે હઝરતુલ્લાહ ઝાઝાઈને આઉટ કરી દીધો હતો. જ્યારે ઓવરના અંતિમ બોલ પર તેણે રહમાનઉલ્લા ગુરબાઝને પેવેલિયન ભેગો કરી દીધો હતો. બંને ઓપનર્સ ખાતું ખોલાવી શક્યા ન હતા. ત્યારબાદ અફઘાનિસ્તાને એક પછી એક વિકેટ ગુમાવી દીધી હતી.
21 રનના સ્કોર પર ટીમે પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ત્રણ બેટર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એક સમયે અફઘાનિસ્તાન 50 રનનો આંકડો પણ પાર કરી શકશે નહીં તેવું લાગી રહ્યું હતું. પરંતુ ઈબ્રાહિમ ઝાદરાને લડત આપી હતી. જેના કારણે ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. તેણે 59 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ 64 રન નોંધાવ્યા હતા. જ્યારે રાશિદ ખાને 15 અને મુજીબ ઉર રહેમાને 18 રનની ઈનિંગ્સ રમી હતી. ભારત માટે ભુવનેશ્વર કુમારે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને દીપક હૂડાએ એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.
વિરાટ કોહલીની પ્રથમ ટી20 સદી, રાહુલની અડધી સદી
અફઘાનિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં રોહિત શર્મા રમી રહ્યો નથી જેના કારણે લોકેશ રાહુલને સુકાની પદની જવાબદારી સોંપવામાં આવી હતી. લોકેશ રાહુલ સાથે ઓપનિંગમાં વિરાટ કોહલી આવ્યો હતો. આ જોડીએ શરૂઆતથી જ અફઘાનિસ્તાની બોલર્સ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. રાહુલ અને કોહલીની જોડીએ પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન બંને બેટર્સે લાજવાબ બેટિંગ કરી હતી અને આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. રાહુલ 41 બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 62 રન નોંધાવીને આઉટ થયો હતો.
જોકે, તેના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ પોતાની શાનદાર બેટિંગ જારી રાખી હતી અને આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. કોહલી અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. તેણે 61 બોલમાં 122 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ છ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે રિશભ પંતે 16 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 20 રનની ઈનિંગ્સ રમી હતી. અફઘાનિસ્તાન માટે ફરીદ અહેમદે બે વિકેટ ઝડપી હતી.