ભારતની ફાઈનલની આશા જીવંત રાખવા અફઘાનિસ્તાનનું જીતવું જરૂરી હતું
સુપર-4 સ્ટેજમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું જ નબળું રહ્યું છે. પોતાની પ્રથમ બંને મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં રોહિત શર્માની ટીમ પાકિસ્તાન સામે હારી ગઈ હતી. જ્યારે બીજી મેચમાં તેને શ્રીલંકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો. બીજી તરફ અફઘાનિસ્તાન સુપર-4માં તેની પ્રથમ મેચ શ્રીલંકા સામે હારી ગયું હતું. તેથી જો પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનનો વિજય થયો હોત તો ભારત માટે ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહી હોત. જોકે, તે માટે ભારતીય ટીમને અન્ય મેચના પરિણામો અને રન રેટ પર આધાર રાખવો પડ્યો હોત. જોકે, પાકિસ્તાને વિજય નોંધાવીને અફઘાનિસ્તાનની સાથે સાથે ભારતના અભિયાનનો પણ અંત આણી દીધો.
પાકિસ્તાનના બોલર્સ સામે અફઘાનિસ્તાની બેટર્સ નિષ્ફળ
અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું પરંતુ તેની બેટિંગ નિરાશાજનક રહી હતી. અફઘાનિસ્તાન માટે ઈબ્રાહિમ ઝાદરાને સૌથી વધુ 35 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓપનર હઝરતુલ્લાહ ઝાઝાઈએ 31 અને રાશિદ ખાને અણનમ 18 રનનું યોગદાન આપ્યું હતું. સુકાની મોહમ્મદ નબી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પાકિસ્તાન માટે હેરિસ રૌફે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જ્યારે નસીમ શાહ, મોહમ્મદ હુસૈન, નવાઝ અને શાદાબ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાને આપી વળતી લડત, માંડ-માંડ જીત્યું પાકિસ્તાન
130 રનના લક્ષ્યાંકનો બચાવ કરતા અફઘાનિસ્તાને જોરદાર લડત આપી હતી. તેણે પાકિસ્તાની બેટર્સને શરૂઆતથી જ દબાણમાં રાખ્યા હતા. સુકાની ઓપનર બાબર આઝમ પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. જ્યારે શાનદાર ફોર્મમાં રમી રહેલા મોહમ્મદ રિઝવાન 20 રન નોંધાવીને આઉટ થયો હતો. ફખર ઝમાન પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, મિડલ ઓર્ડરમાં ઈફ્તિખાર અહેમદ અને શાદાબ ખાને ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. ઈફ્તિખારે 30 અને શાદાબ ખાને 36 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી.
જોકે, આ બંને બેટર આઉટ થયા બાદ પાકિસ્તાનના મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરનો ધબડકો થયો હતો. મોહમ્મદ નવાઝ ચાર, આસિફ અલી 16, ખુશદિલ શાહ એક રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે હેરિસ રૌફ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પરંતુ અંતિમ ઓવરમાં નસીમ શાહે સળંગ બે સિક્સર ફટકારીને પાકિસ્તાનને રોમાંચક વિજય અપાવ્યો હતો. તેણે ચાર બોલમાં અણનમ 14 રન નોંધાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ફઝલહક ફારૂકી અને ફરીદ અહેમદ મલિકે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે રાશિદ ખાનને બે સફળતા મળી હતી.