શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરમાં પ્રથમ અને બીજી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. ગત મેચમાં અડધી સદી ફટકારનારા કુસલ મેન્ડિસ અને દનુષ્કા ગુણાતિલકા ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. ધનંજય ડી સિલ્વા પણ નવ રન જ નોંધાવી શક્યો હતો. જોકે, પથુમ નિસંકાએ એક છેડો જાળવી રાખ્યો હતો. તેણે ચોથી વિકેટ માટે ભાનુકા રાજપક્સે (24) સાથે 51 રનની ભાગીદારી નોંધાવી હતી. ભાનુકા આઉટ થયા બાદ પથુનાએ જવાબદારી સંભાળી હતી. તેણે 41 બોલમાં ટી20 ક્રિકેટમાં પોતાની સાતમી અડધી સદી ફટકારી હતી. શ્રીલંકાએ 18 બોલ બાકી રાખતા પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો. નિસંકાએ 48 બોલ પર 55 રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. પાકિસ્તાન માટે મોહમ્મદ હસનૈન અને હેરિસ રૌફે બે-બે વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાની ટીમના બેટર્સ રહ્યા નિષ્ફળ
આ પહેલા વાનિન્દુ હસારંગા અને મહેથ તિક્ષણાની શાનદાર બોલિંગની મદદથી શ્રીલંકાએ પાકિસ્તાનને 19.1 ઓવરમાં 121 રન પર સમેટી લીધું હતું. હસારંગાએ 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મહેશે 21 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. પાકિસ્તાની સુકાની બાબર આઝમે 30 રન નોંધાવ્યા હતા જ્યારે મોહમ્મદ નવાઝ 26 રન નોંધાવીને આઉટ થયો હતો. હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહેલો ઓપનર મોહમ્મદ રિઝવાન 14 રન નોંધાવી શક્યો હતો. ફખર ઝમાન અને ઈફ્તિખાર અહેમદે 13-13 રનનું યોગદાન આપ્યું હતું. આસિફ અલી અને હસન અલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.