Today News

Ashes 2023: બેયરસ્ટોની વિવાદાસ્પદ વિકેટથી કોચથી લઈ PM રિશી સુનક નારાજ, AUS પર કર્યો કટાક્ષ

Ashes 2023: બેયરસ્ટોની વિવાદાસ્પદ વિકેટથી કોચથી લઈ PM રિશી સુનક નારાજ, AUS પર કર્યો કટાક્ષ


Ashes 2023, Australia vs England: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝ અત્યારે ઘણી ચર્ચામાં આવી રહી છે. જોની બેયરસ્ટોએ બોલ ડેડ થાય એ પહેલા ક્રિઝ છોડતા ઓસ્ટ્રેલિયન કિપરે તેને રનઆઉટ કરી દેતા હોબાળો મચી ગયો છે. ફેન્સ સહિત ગ્રાઉન્ડમાં હાજર ખેલાડીઓ પણ દાવો કરી રહ્યા છે કે બેયરસ્ટો રન લેવા નહોતો જતો તેવામાં આ રીતે ફાયદો ઉઠાવી રન આઉટ કરવો યોગ્ય ન કહેવાય. ઉલ્લેખનીય છે કે બીજી બાજુ ટીમના કોચ સહિત UKના PM રિશી સુનકે પણ આ મુદ્દે ટિપ્પણી કરી છે.સુનકના સ્પોકપર્સનનું મોટુ નિવેદન
બ્રિટિશના PM રિશી સુનકે બીજી એશિઝ ટેસ્ટ મેચ દરમિયાન જોની બેયરસ્ટોના રનઆઉટ વિવાદ પર મોટી ટિપ્પણી આપી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા પર કટાક્ષ કરતા સુનકના સ્પોકપર્સને એક મીડિયા બ્રિફમાં મોટુ નિવેદન આપ્યું છે. વડાપ્રધાન સુનકે આ અંગે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની વાત પર સહમતી દર્શાવી છે. સ્ટોક્સે મેચ પછી કહ્યું હતું કે આ રીતે રનઆઉટ કરવું એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિરૂદ્ધ છે.

MCCના 3 સભ્યો સસ્પેન્ડ
એક બાજુ MCCએ ખ્વાજા સાથે વિવાદમાં ઉતરેલા 3 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. પહેલા સેશન દરમિયાન ખ્વાજા પેવેલિયન તરફ જતો હતો ત્યારે આ ઘટનાક્રમ થયો હતો. આના પર MCCએ ઓસ્ટ્રેલિયન ટીમની માફી પણ માગી હતી. એટલું જ નહીં એક્ઝિક્યૂટિવે કહ્યું હતું કે આ પ્રમાણેનો વ્યવહાર મેમ્બર્સ દ્વારા તદ્દન અયોગ્ય ગણાય.

શું છે બેયરસ્ટો રનઆઉટનો વિવાદ
લોર્ડ્સના મેદાનમાં રમાયેલી એશિઝ ટેસ્ટના 5મા દિવસે ઈંગ્લેન્ડ ટીમ 371 રનના લક્ષ્યને ચેઝ કરી રહી હતી. કેપ્ટન બેન સ્ટોક્સે બેન ડકેટ સાથે 132 રનની ભાગીદારી કરી હતી. ડકેટના આઉટ થયા બાદ વિકેટકીપર જોની બેયરસ્ટો અને સ્ટોક્સે ભાગીદારી શરૂ કરી હતી, પરંતુ 52મી ઓવરના છેલ્લા બોલ પર બેયરસ્ટો રનઆઉટ થયો હતો. તેના રનઆઉટ પર વિવાદ ઉભો થયો હતો. ઓવરનો છેલ્લો બોલ ફેંકાયા બાદ બેયરસ્ટો સ્ટોક્સ સાથે વાત કરવા ક્રિઝની બહાર નીકળી ગયો હતો. તેને ક્રિઝની બહાર જોઈને ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીએ બોલ ફેંક્યો અને સ્ટમ્પ્સ ઉખાડી ફેંક્યા હતા.

બેયરસ્ટો સ્તબ્ધ થઈ ગયો
બેયરસ્ટો વિકેટકીપર, ફિલ્ડર કે અમ્પાયરને કહ્યા બાદ પણ ક્રિઝની બહાર આવ્યો ન હતો. તેથી જ બોલ ડેડ ન થયો અને ઓસ્ટ્રેલિયાની અપીલ બાદ થર્ડ અમ્પાયરે પણ બેયરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો. નિયમ મુજબ બેયરસ્ટો આઉટ થયો હતો, પરંતુ અહીં ‘ખેલદિલી’નો મુદ્દો ઉભો થયો હતો. વાસ્તવમાં, બેયરસ્ટો રન લેવા માટે ક્રિઝની બહાર આવ્યો ન હતો, તે ઓવર પૂરી થયા પછી તેના પાર્ટનર સાથે ચર્ચા કરવા જઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન વિકેટકીપરે તેનો ફાયદો ઉઠાવીને સીધો થ્રો માર્યો હતો. બેયરસ્ટો 10 રન બનાવીને આઉટ થયો હતો.

નિયમો અનુસાર બેયરસ્ટો આઉટ હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન વિકેટકીપરનો થ્રો સ્ટેડિયમમાં બેઠેલા ઈંગ્લેન્ડ ટીમના ચાહકોને પસંદ આવ્યો ન હતો. ચાહકોએ આખી મેચ દરમિયાન ફરીથી ‘ચીટર્સ..ચીટર્સ…’ કહીને ઓસ્ટ્રેલિયન ટીમ સામે કટાક્ષ કર્યો હતો.

Exit mobile version