સુંદર આવ્યો બચાવમાં
મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુંદરે કહ્યું, “ડેરિયલની ઈનિંગ્સ તેમની ટીમ માટે ખૂબ મહત્વની રહી હતી. મેં કહ્યું તેમ કે સ્કોર 150ની પાર હોત તો અમને આનંદ થાત. પરંતુ મિચેલે શાનદાર અડધી સદી ફટકારીને મોટો ગેપ ખડકી દીધો. તે અંત સુધી ઊભો રહ્યો હતો. મને લાગે છે કે, આ પ્રકારની ઓવર ટી-20 ક્રિકેટમાં હોય છે અને આ મેચમાં એક-બે જગ્યાએ એવું થયું હતું. તમે જોઈ શકો છો કે, 3-4 ઓવરમાં 15થી વધારે રન નહોતો આવ્યા.”
અર્શદીપ અંગે શું બોલ્યો સુંદર?
અર્શદીપ સિંહનો બચાવ કરતાં સુંદરે કહ્યું, “અર્શદીપે ભારત તરફથી અને આઈપીએલમાં કેટલીય વિકેટો ઝડપી છે. અમે પણ માણસો છીએ અને અમે રમવા માગીએ છીએ. જ્યારે ટક્કર કાંટાની હોય અને તમારી સામે મજબૂત ટીમ હોય તો આવું થઈ શકે છે.” ઉલ્લેખનીય છે કે, અર્શદીપ સિંહે આ મેચમાં ચાર ઓવરમાં 51 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
સુંદરે રંગ રાખ્યો
ભારતના બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો, સુંદરે ભારતીય ટીમ તરફથી એકતરફી સંઘર્ષ કર્યો છે. તે છઠ્ઠા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. ટી-20માં આ તેની પાંચમી અડધી સદી છે. ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સુંદરના વખાણ કરતાં કહ્યું કે, “છેલ્લે અમે 25 રન વધારે આપી દીધા. જે પ્રકારે વોશિંગ્ટને બોલિંગ અને બેટિંગ કરી તેના પરથી એવું લાગતું હતું કે, ન્યૂઝીલેન્ડની ટક્કર ભારત સામે નહીં પણ વોશિંગ્ટન સામે હતી.”