ચાર વર્ષ પહેલા આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આઈસલેન્ડ વિરુદ્ધ 1-1થી ડ્રો રમીને કરી હતી. જોકે, કતારમાં તેની સાથે મોટો ખેલ થઈ ગયો. છેલ્લા ઘણા સમયથી આર્જેન્ટિનાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે 2021માં કોપા અમેરિકા કપ પણ જીત્યો હતો. છેલ્લા 28 વર્ષમાં કોઈ મોટી ટુર્નામેન્ટમાં તેનો આ પ્રથમ ટાઈટલ વિજય હતો. જોકે, સાઉદી અરબ સામે પરાજય સાથે આર્જેન્ટિનાને મોટો ઝટકો લાગ્યો છે.
ઓફસાઈડ આર્જેન્ટિના માટે દુશ્મન બન્યું
આર્જેન્ટિના માટે લાયનલ મેસ્સીએ પેનલ્ટી શૂટઆઉટ પર એક ગોલ નોંધાવ્યો હતો. આ સાથે જ આર્જેન્ટિના મેચમાં 1-0થી આગળ થઈ ગયું હતું. બાદમાં લોટારો માર્ટિનેજે બીજો ગોલ નોંધાવ્યો હતો પરંતુ આ ગોલને રેફરીએ રદ કરી દીધો હતો. વીએચઆરમાં ચેક કરતાં તેને ઓફસાઈડ ગણવામાં આવ્યો હતો. આ પહેલા પણ મેસ્સીનો એક ગોલ ઓફસાઈડ થઈ ગયો હતો.
એક ગોલથી પાછળ રહ્યા બાદ પણ જીત્યું સાઉદી અરબ
પ્રથમ હાફમાં સાઉદી અરબની ટીમ 1-0થી પાછલ રહી હતી. જોકે, બીજા હાફમાં ટીમે સતત આક્રમક વલણ જાળવી રાખ્યું હતું. 48મી મિનિટમાં તેને સફળતા મળી હતી. અલ બુરેકનના શાનદાર પાસ પર સાલેહ અલશેહરીએ ગોલ નોંધાવ્યો હતો. તેની થોડી મિનિટ બાદ સાઉદી અરબની ખુશી બેવડાઈ ગઈ હતી. 53મી મિનિટે સલેમ અલસારીએ શાનદાર ગોલ નોંધાવ્યો હતો. આ સાથે જ સાઉદી અરબે 2-1ની સરસાઈ પણ મેળવી લીધી હતી. ફૂટબોલ વર્લ્ડ કપમાં પાંચ વખત ક્વોલિફાઈ થયા બાદ સાઉદી અરબની ટીમ ફક્ત એક જ વખત અંતિમ-16માં પહોંચી શકી છે.
પરાજય બાદ પણ મેસ્સીએ રચ્યો ઈતિહાસ
સાઉદી અરબ વિરુદ્ધ મેચ રમવા ઉતરવાની સાથે જ મેસ્સીએ પાંચ ફૂટબોલ વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. મુકાબલામાં મેસ્સીએ 10મી મિનિટે આર્જેન્ટિનાને 1-0ની સરસાઈ અપાવી હતી. વર્લ્ડ કપમાં મેસ્સીનો આ સાતમો ગોલ છે. તે આર્જેન્ટિના માટે ચાર અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ નોંધાવનારો પ્રથમ ફૂટબોલર બની ગયો છે. તેણે 2006, 2014, 2018 અને 2022માં ગોલ નોંધાવ્યા હતા.