ગત વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સે તેને ખરીદ્યો હતો પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સે તેનો પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકાતાએ રહાણે જેવા સીનિયર ખેલાડીનો યોગ્ય ઉપયોગ કર્યો ન હતો અને ગત વર્ષે આઈપીએલ બાદ તેને રીલિઝ કરી દીધો હતો. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ એવા અનુભવી ભારતીય ખેલાડીની શોધમાં હતી જે ટોપ ઓર્ડરમાં સ્થિરતા લાવી શકે. આ માટે ટીમે રહાણે પર પસંદગી ઉતારી હતી અને તેને બેઝ પ્રાઈઝમાં જ ખરીદી લીધો હતો. હવે વર્તમાન આઈપીએલમાં રહાણે કહેર વર્તાવી રહ્યો છે. જેવી રીતે તેણે 2008માં રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ સિઝનમાં કર્યું હતું તેવું પ્રદર્શન તે કરી રહ્યો છે.
અત્યાર સુધી 199ની સ્ટ્રાઈક રેટથી રન નોંધાવ્યા છે
અજિંક્ય રહાણેએ વર્તમાન આઈપીએલમાં અત્યાર સુધીમાં પાંચ ઈનિંગ્સ રમી છે. જેમાં તેણે 52.25ની સરેરાશ સાથે 209 રન નોંધાવ્યા છે. જોકે, તેની સ્ટ્રાઈક રેટ 199.04ની રહી છે. તેની અત્યાર સુધીની ક્રિકેટ કારકિર્દી જોવામાં આવે તો આ સ્ટ્રાઈક રેટ અવિશ્વસનીય છે. જ્યારે તેની આઈપીએલ કારકિર્દી જોઈએ તો તેણે 163 મેચની 153 ઈનિંગ્સમાં 31.49ની સરેરાશ સાથે 4283 રન ફટકાર્યા છે. જેમાં બે સદી અને 30 અડધી સદી સામેલ છે. તેની સ્ટ્રાઈક રેટ 123.03ની રહી છે.
ધોનીએ રહાણેમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, બાજી પલટાઈ ગઈ

રહાણેના આ પ્રદર્શન પાછળ મહેન્દ્ર સિંહ ધોનીનો હાથ પણ રહેલો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહાણેની ક્ષમતા સારી રીતે જાણે છે. તેણે જણાવ્યું હતું કે, રહાણે જે રીતે બેટિંગ કરે છે તે રીતે તેને બેટિંગ કરવા દેવી તે મહત્વનું છે. બીજી મહત્વની વાત એ છે કે તેને રન નોંધાવવા માટે શ્રેષ્ઠ સ્થાને બેટિંગ કરવાની તક આપવી જોઈએ.
ચેન્નઈમાં આવીને નવી લાઈફ લાઈન મેળવી ચૂક્યા છે આ દિગ્ગજો

નોંધનીય છે કે આ પ્રથમ વખત નથી કે અન્ય ફ્રેન્ચાઈઝીઓએ અવગણના કરેલા ખેલાડીઓ ચેન્નઈમાં આવ્યા છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આશિષ નેહરા, શેન વોટસન, અંબાતી રાયડૂ અને હરભજન સિંહે એવા ખેલાડીઓ રહ્યા છે જેની અન્ય ટીમોએ અવગણના કરી હતી અને ચેન્નઈમાં આવ્યા બાદ તેમને નવી લાઈફ લાઈન મળી હતી.
ધોનીની દેખરેખમાં તમને નવી-નવી વસ્તુઓ શીખવા મળે છે: રહાણે

રહાણેએ જણાવ્યું હતું કે હું હંમેશા માનું છું કે મોટા ભાગની બાબતો તમારા બે કાનની વચ્ચે હોય છે. જો તમારું મગજ યોગ્ય રહેશે તો તમે કંઈ પણ કરી શકો છો. સૌથી અગત્યની વાત એ છે કે મને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં રમવાની તક મળે છે. જ્યારે ચેન્નઈએ મારી પસંદગી કરી ત્યારે મને ઘણી ખુશી થઈ હતી. ટીમે મને તક આપીને હું જે રીતે ઈચ્છું તે રીતે રમવાની છૂટ આપી છે. જ્યારે તમે માહી ભાઈની દેખરેખમાં રમો છો ત્યારે તમને નવી બાબતો શીખવાની તક મળે છે.
અજિંક્ય રહાણેએ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કર્યો કટાક્ષ!

અજિંક્ય રહાણે પણ સામાન્ય રીતે કૂલ રહેતો હોય છે અને કોઈ પણ વિવાદાસ્પદ નિવેદન આપતો નથી. પરંતુ હાલમાં જ તેણે આડકતરી રીતે અગાઉની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, એક-બે વર્ષ પહેલા મને રમવાની તક મળતી ન હતી. જો તમે મેચ જ નથી રમતા તો તમે કેવી રીતે લોકોને દેખાડી શકો કે તમે શું કરવા માટે સક્ષમ છો. તમે સાતત્યપૂર્ણ રમતા નથી રમી રહ્યાં તો તમને લોકોને તમારી ક્ષમતા દેખાડી શકશો નહીં. પરંતુ મને લાગે છે કે મારું શ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજી બાકી છે.