ત્રણ મોટી વિકેટ ઝડપી
ટી20 વર્લ્ડ કપના ત્રીજા દિવસે છઠ્ઠી મેચમાં શ્રીલંકા અને યુએઈની ટક્કર હતી. ટોસ ગુમાવીને શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી હતી. શરૂઆત સારી રહી હતી. ઓપનર્સે શાનદાર શરૂઆત કરી હતી. એક સમયે સ્કોર 180 રન સુધી પહોંચી જશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ 15મી ઓવરમાં બાજી પલટી ગઈ હતી. લેગ સ્પિન બોલર કરનારા મયપ્પને ભાનુકા રાજપક્સે, ચરિથ અસલંકા અને સુકાની દાસુન શનાકાને પેવેલિયન ભેગા કર્યા હતા.
આવી રીતે પૂરી કરી હતી હેટ્રિક
મયપ્પને પહેલા તો ભાનુકા રાજપક્સેને આઉટ કર્યો હતો. રાજપક્સેએ ડીપ કવર પર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેટ સાથે સારું કનેક્શન થયું ન હતું. કાશિફ દાઉદે આસાન કેચ કરી લીધો હતો. તેણે આઠ બોલમાં પાંચ રન નોંધાવ્યા હતા. નવા બેટર ચરિથ અસલંકાને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. અંતિમ બોલ તેનો હેટ્રિક બોલ હતો અને તેનો સામનો દાસુન શનાકાએ કર્યો હતો. જોકે, તે બોલને સારી રીતે રમી શક્યો ન હતો. બોલ બેટ અને પેડની વચ્ચેની ગેપમાંથી જઈને સ્ટંપ્સમાં જતો રહ્યો હતો.
તામિલનાડુમાં જન્મ્યો છે મયપ્પન
મયપ્પન 8 ઓક્ટોબર 2000ના રોજ તામિલનાડુના પાટનગર ચેન્નઈના નજીક ત્રિચી શહેરમાં જન્મ્યો છે. તે ઓસ્ટ્રેલિયાના લિજેન્ડરી સ્પિનર શેન વોર્નને પોતાનો આદર્શ માને છે. 2012માં મયપ્પનનો પરિવાર દુબઈ આવી ગયો હતો. તેના પહેલા મયપ્પને ચેન્નઈ, અબુધાબી અને દુબઈમાં ઉછર્યો હતો. મયપ્પનને શ્રીલંકામાં 2019 અંડર-19 એશિયા કપમાં યુએઈ ટીમની આગેવાની કરી હતી. ડિસેમ્બર 2019માં પ્રથમ વખત યુએઈ ટીમમાં સામેલ કર્યો હતો.
વર્લ્ડ કપમાં કુલ પાંચ હેટ્રિક થઈ
ટી20 વર્લ્ડ કપની પ્રથમ હેટ્રિક ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લીના નામે છે. બ્રેટ લીએ 2007ના પ્રથમ વર્લ્ડ કપમાં જ હેટ્રિક ઝડપી હતી. જ્યારે 2021માં ત્રણ હેટ્રિક નોંધાઈ હતી. જેમાં કાર્ટિસ કેમ્ફર, વાનિન્દુ હસરંગા અને કાગિસો રબાડાએ હેટ્રિક ઝડપી હતી. જ્યારે 2022માં યુએઈના મયપ્પને હેટ્રિક ઝડપી છે.