એક વર્ષમાં સૌથી વધારે મેચ જીતવાના રેકોર્ડની બરાબરી કરી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સીરિઝ રમાઈ હતી. જેમાં લખનૌમાં રમાયેલી પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ વિજય નોંધાવ્યો હતો. જ્યારે રાંચી અને દિલ્હીમાં રમાયેલી અંતિમ બે મેચ ભારતે પોતાના નામે કરી. દિલ્હીમાં અંતિમ વન-ડે જીતવાની સાથે જ ભારત એક વર્ષમાં 38મી આંતરરાષ્ટ્રીય મેચ જીતનારી ટીમ બની ગઈ છે. આ પહેલા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ 2003માં કુલ 38 મેચ જીતી હતી. 2017માં ભારતીય ટીમ આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગઈ હતી પરંતુ તે ચૂકી ગઈ હતી. હવે ભારતે આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત હવે આ રેકોર્ડ પોતાના નામે કરવાથી ફક્ત એક જીત દૂર છે અને તે ટી20 વર્લ્ડ કપ દરમિયાન આ રેકોર્ડ તોડી શકે છે.
એક વર્ષમાં સૌથી વધુ જીતમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો દબદબો
ભારતે આ વર્ષે એટલે કે 2022માં 38 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2003માં 38 મેચ જીતી હતી. ભારતે 2017માં 37 મેચ જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા 1999માં તથા ભારત 2018 અને 2019માં 35-35 મેચ જીત્યું હતું.
વન-ડેમાં સાઉથ આફ્રિકાનો ચોથો લોએસ્ટ સ્કોર
ત્રીજી વન-ડેમાં ભારત સામે સાઉથ આફ્રિકા 99 રનમાં ઓલ-આઉટ થઈ ગયું. વન-ડેમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો આ લોએસ્ટ સ્કોર છે. જ્યારે ઓવરઓલ તેનો ચોથો લોએસ્ટ સ્કોર છે. અગાઉ ભારત સામે સાઉથ આફ્રિકાનો લોએસ્ટ સ્કોર 117 રનનો હતો. સપ્ટેમ્બર 1999માં નૈરોબીમાં ભારત સામે સાઉથ આફ્રિકા 117 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું. વન-ડેમાં સાઉથ આફ્રિકાનો લોએસ્ટ સ્કોર 69 રન છે. જે ડિસેમ્બર 1993માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે નોંધાયો હતો. જ્યારે ઓગસ્ટ 2008માં નોટ્ટિંઘમમાં તથા જુલાઈ 2022માં માન્ચેસ્ટરમાં સાઉથ આફ્રિકન ટીમ ઈંગ્લેન્ડ સામે 83-83 રન પર ઓલ-આઉટ થઈ હતી.