8 સપ્ટેમ્બરે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને તે સાથે જ તેને નેપાળ ક્રિકેટ કેપ્ટન તરીકે હટાવી દેવામાં આવ્યો હતો. 17 વર્ષીય યુવતીએ આરોપ મૂક્યો હતો કે ઓગસ્ટમાં કાઠમાંડુની એક હોટલમાં લામિછાનેએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. લામિછાને કેરેબિયન પ્રીમિયર લીગ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો અને ત્યાંથી પાછો ફર્યો ન હતો.
લામિછાને નેપાળ ક્રિકેટના વિકાસનો પોસ્ટર બોય રહ્યો છે. 2018માં નેપાળ ક્રિકેટ ટીમ (Nepal Cricket Team)ને આંતરરાષ્ટ્રીય વન-ડેનું સ્ટેટસ મળ્યું હતું. લામિછાનેની કારકિર્દીનો સૌથી મોટો બ્રેક 2018માં આવ્યો હતો જ્યારે તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તક મળી હતી. દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય ટી20 લીગમાં રમી રહ્યો છે.
લામિછાનેએ ગત મહિને સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ પોસ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તેની સામે લગાવવામાં આરોપો પાયાવિહોણા છે અને પોતે કેમ નેપાળ નથી આવી રહ્યો તેનો બચાવ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, મારી સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હોવાના સમાચાર મળ્યા છે. મને માનસિક રીતે ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે. હું વિચારી શકતો નથી કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. મારી તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને હું ઝડપથી નેપાળ પરત ફરીશ. જ્યાં હું મારી સામે લાગેલા આરોપો વિરુદ્ધ લડીશ.