ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. આઈસીસી ટી-20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા પહેલા સ્થાને છે. તો, સાઉથ આફ્રિકાની ટીમ પણ કંઈ નબળી નથી. તે રેન્કિંગમાં ત્રીજા નંબરે છે. જોકે, ભારતીય ટીમ હજુ સુધી સાઉથ આફ્રિકા સામે કોઈ દ્વિપક્ષીય સીરિઝ જીતી શકી નથી. એવામાં આજે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા પહેલી વખત સાઉથ આફ્રિકા સામે સીરિઝ જીતવાનું કારનામું કરી શકે છે.
ટી-20માં ભારત-સાઉથ આફ્રિકાની ટક્કર
ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ ટી-20 ઈન્ટરનેશનલમાં કુલ 21 મેચોમાં એકબીજા સામે ટકરાઈ છે. આ દરમિયાન ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે. ભારતીય ટીમે ટી-20 ઈન્ટરનેશનલમાં સાઉથ આફ્રિકા સામે કુલ 12 મેચોમાં જીત મેળવી છે. તો, સાઉથ આફ્રિકા માત્ર 8 મેચ જીતી શકી છે, જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
શમીની દાવેદારી છે મજબૂત
ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. જોકે, કોરોના સંક્રમિત હોવાના કારણે તે ઓસ્ટ્રેલિય સામે રમાયેલી ત્રણ ટી-20 મેચોની સીરિઝમાં રમી શક્યો ન હતો. હવે, તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં સામેલ કરાયો છે. એવામાં તેને ઓસ્ટ્રેલિયા જનારી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, કેમકે ત્યાંની પરિસ્થિતિઓમાં રમવાનો તેને અનુભવ છે. જો, એવું થાય છે તો તેને 16 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા મેચ પ્રેક્ટિસની પૂરતી તક નહીં મળે.
Read Latest Sports News And Gujarati News