T20 વર્લ્ડ કપઃ બુમરાહની ગેરહાજરીમાં કોણ કરશે ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ? - t20 world cup 2022 who will lead team india pace bowling attack in absence of jasprit bumrah

T20 વર્લ્ડ કપઃ બુમરાહની ગેરહાજરીમાં કોણ કરશે ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ? – t20 world cup 2022 who will lead team india pace bowling attack in absence of jasprit bumrah


ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારતને મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટની બહાર થઈ ગયો છે. બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ નબળુ જોવા મળી રહ્યુ છે. તે નવા બોલ સાથે તે ઘણો જ ખતરનાક હોય છે જ્યારે જૂના બોલ વડે પણ તે ઘાતક પ્રદર્શન કરી શકે છે. આ ઉપરાંત યોર્કરમાં તે માસ્ટર છે. જોકે, તેની ઈજાના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે આ મહત્વની ટુર્નામેન્ટ માટે અન્ય ઉપલબ્ધ વિકલ્પો અંગે વિચારવું પડશે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કોણ કરશે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી ત્યારે મોહમ્મદ શમી અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખ્યા હતા. આપણે અહીં જોઈએ કે બુમરાહની ગેરહાજરીમાં કયો બોલર જવાબદારી લઈ શકે છે અને તેની સ્ટ્રેન્થ અને વીકનેસ શું છે.

ભુવનેશ્વર કુમારઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાબતો ઝડપથી બદલાઈ જાય છે. નવા બોલ સાથે ભુવનેશ્વર કુમાર જસપ્રિત બુમરાહનો શ્રેષ્ઠ જોડીદાર હતો. પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે.

સ્ટ્રેન્થઃ નવા વ્હાઈટ બોલને સ્વિંગ કરાવી શકે છે અને અંદર આવતા બોલ દ્વારા બેટર્સને તકલીફમાં મૂકી શકે છે. આ ઉપરાંત તે અનુભવી બોલર છે.
વીકનેસઃ ડેથ ઓવર્સમાં તે ઘણો મોંઘો રહ્યો છે અને તેની બોલિંગનું આકલન પણ સરળતાથી થઈ જાય છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. તેણે ત્રણ અલગ-અલગ મેચમાં 19મી ઓવર કરી હતી જે ભારત માટે ઘણી મોંઘી સાબિત થઈ હતી.

મોહમ્મદ શમીઃ ટી20 વર્લ્ડ કપ માટેની ટીમના 15 ખેલાડીઓમાંથી મોહમ્મદ શમીની બાદબાકી આશ્ચર્યજનક હતી. જોકે, તેને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે જે ઓસ્ટ્રેલિયા જશે. જોકે, હવે બુમરાહની ગેરહાજરીમાં તેને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

સ્ટ્રેન્થઃ પોતાની ઝડપ દ્વારા બેટર્સને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઓસ્ટ્રેલિયાની ઉછાળ ભરેલી પિચો તેની બોલિંગને માફક આવે છે. તે સ્વિંગ પણ કરી શકે છે.
વીકનેસઃ યુએઈમાં ગત ટી20 વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીનું પ્રદર્શન અત્યંત નબળુ રહ્યું હતું ખાસ કરીને પાકિસ્તાન સામેના મુકાબલામાં તેણે નિરાશ કર્યા હતા. તેણે ઘણા શોર્ટ બોલ કર્યા હતા અને 3.5 ઓવર્સમાં 43 રન આપી દીધા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાની પિચો તેની બોલિંગ માટે અનુકૂળ છે.

અર્શદીપ સિંહઃ પોતાની અત્યાર સુધીની ટી20 કારકિર્દીમાં ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તે નવા બોલને પ્રભાવશાળી રીતે સ્વિંગ કરાવી શકે છે જે તેણે સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટી20માં દેખાડી દીધું હતું.

સ્ટ્રેન્થઃ સ્વિંગવાળી પરિસ્થિતિમાં અર્શદીપ સિંહ ઘાતક સાબિત થઈ શકે છે. પોતાના ફૂલલેન્થ બોલ દ્વારા તે ડેથ ઓવર્સમાં રન ગતિ પર અંકુશ રાખી શકે છે. તે સચોટ યોર્કર ફેંકી શકે છે. ભારતીય ઝડપી બોલિંગ આક્રમણમાં તે વિવિધતા લાવ્યો છે અને તે ઝડપીથી શીખી પણ જાય છે.
વીકનેસઃ ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરવાનો અનુભવ નથી. જ્યારે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમવાનો પણ અનુભવ નથી. ઓસ્ટ્રેલિયન પિચો સ્વિંગ બોલિંગ માટે વધારે મદદરૂપ નથી.

હર્ષલ પટેલઃ બેટર્સને મુશ્કેલીમાં મૂકી શકે તેવો શાનદાર બેકઅપ બોલર છે.
સ્ટ્રેન્થઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટી20 સીરિઝ અગાઉ આ વર્ષે તે ભારતનો સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર હતો. ડેથ ઓવર્સ બોલિંગમાં તે સારો વિકલ્પ બની શકે છે. તેની બોલિંગમાં સ્લો બાઉન્સર અને કટર્સ જેવી વિવિધતા છે.
વીકનેસઃ ઓસ્ટ્રેલિયામાં બોલિંગ કરવાનો કોઈ અનુભવ નથી. શરૂઆતમાં રન આપવાના કારણે તેનો આત્મવિશ્વાસ ડગી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *